(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૨
અમરેલીમાં આજે જિલ્લાના ચાર કોંગ્રેસના ધારાસભ્યો જિલ્લા એસપી કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા. જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓએ માઝા મૂકી હોઈ જેથી કોંગ્રેસના ચારેય ધારાસભ્યોએ આજે એસપી કચેરી સામે મંડપ નાખી ઉપવાસ પર બેસી ગયા હતા. જેમાં શહેરના રિક્ષાચાલકો અને મજૂરી કરતા શખ્સોએ કોંગ્રેસના ધારાસભ્યોને ટેકો આપ્યો હતો. અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રથમ વખત ૫ સીટો ઉપર ચૂંટાયેલ ધારાસભ્યો આજે જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ અંગે જિલ્લા પોલીસ વડા કચેરી સામે ઉપવાસ પર બેસી ગયા હતા. જેમાં જિલ્લાના કોંગ્રેસના ચાર ધારાસભ્યો સહિત અસંખ્ય આગેવાનો સહિત ૫૦થી વધુ આગેવાનો સાંજ સુધી ઉપવાસ પર બેસી ગયા હતા. જિલ્લામાં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂ, અપહરણ, લૂંટ, હત્યા, ખંડણી જેવી અસામાજિક પ્રવૃત્તિ ફૂલી ફાળી છે ત્યારે જિલ્લાની પોલીસ અસામાજિક પ્રવૃત્તિ રોકવા નિષ્ફળ ગયા છે ત્યારે જિલ્લાના ચાર ધારાસભ્યો જેમાં લાઠી-બાબરાના ધારાસભ્યો વીરજીભાઈ ઠુંમર, ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયા, રાજુલાના જાફરાબાદના ધારાસભ્ય અંબરીશ ડેર અને લીલિયા-સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય જિલ્લા પોલીસ વડાની કચેરી સામે ઉપવાસ પર બેસી ગયા હતા. જિલ્લાના ચારેય કોંગ્રેસના ધારાસભ્યોએ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરવા છેવટે ઉપવાસ આંદોલન કર્યું હતું. કોંગ્રસના ધારાસભ્યોને શહેરમાં ફ્રૂટ તેમજ અન્ય લારીના ધંધા કરતા અને રિક્ષાચાલકોએ ટેકો આપી ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું હતું.