અમરેલી, તા.૨૧
અમરેલી જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને આજે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા ડિસમિસ કરવામાં આવતા ખળભળાટ મચેલ છે, ત્રણેય પોલીસ કર્મચારીઓનું દારૂના ધંધાર્થીઓ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવતા ડિસમીસ કર્યાનું જાણવા મળેલ છે.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમરેલી જિલ્લા ના રાજુલા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ભાવેશભાઈ બોરીસાગર, મહેશભાઈ મેહરા તથા બાલાભાઈ નામના ત્રણ પોલીસ કર્મચારીઓને અમરેલી એસ.પી. દ્વારા ડિસમીસ કરવામાં આવતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચેલ છે. જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયેએક મેસેજમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત ત્રણેય પોલીસ કર્મચારીઓનું બુટલેગરો સાથે કનેક્શન હતું જેથી તેઓને ડિસમીસ કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડાએ અગાઉ એક પીઆઇ તેમજ કોન્સ્ટેબલ સહિત અનેક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરેલ છે ત્યારે આજે ત્રણ પોલીસ કર્મીઓને ડિસમીસ કરતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચેલ હતો….