લાઠી, તા. ૮
અમરેલી જિલ્લાને ગત વર્ષના પાક વીમાની થોડા દિવસ પહેલા સત્તા પક્ષના નેતાઓ દ્વારા જાહેરાત કરી દેવાઈ છે, જિલ્લાના ખેડૂતોને પાકવીમા પેટે ૨૧૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ જિલ્લાના મોટાભાગના વિસ્તારના ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ, લાઠી, બાબરા પંથકના અનેક ગામો પૈકી ૨૩૬ ગામોને પાક વીમા પેટે એક રૂપિયો પણ આપ્યો નથી. રાજુલા તાલુકાના એક પણ ગામને પાક વીમો નહીં, જાફરાબાદ તાલુકાના ૩૧, ખામ્ભા તાલુકા ૨૦, સાવર કુંડલા તાલુકાના ૧૦ ગામો, બાબરા તાલુકાના ૪૫ ગામો, લાઠી તાલુકાના ૪૦ ગામોને પાક વીમો મળ્યો નથી અને આ વિસ્તારના ગામોમાંથી પાક વીમાના પ્રીમિયમ પેટે કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું છે. પણ બાજુના ગામમાં જાણે સારો એવો વરસાદ પડ્યો હોય તેમ એકને ખોળ અને એકને ગોળની નીતિ અપનાવીને કંપનીએ અને સત્તા પક્ષના નેતાઓએ ખેડૂતોની મશ્કરી કરી છે અને જે ગામોમાં પાક વીમો મળવાનો છે. તેમાંથી એવા પણ અનેક ગામો છે. જેને કાતો માત્ર મગફળીનો પાક વીમો મળશે કાતો માત્ર કપાસનો પાક વીમો મળશે. અનેક ગામો એવા પણ છે કે, તે ગામના ખેડૂતોને જાણે ભીખ આપી હોઈ તેમ માત્ર ૩૨ રૂપિયા જેવી રકમ ફાળવીને ખેડૂતો સાથે ક્રૂર મજાક કરી છે. આવો પાક વીમો ફાળવીને જેની મશ્કરી કરી રહ્યા છે. તેઓ જગતના તાત છે એમ ખેડૂત સમાજની અખબારી યાદીમાં જણાવ્યું છે અને આગામી સમયમાં આ બાબતે મીટિંગ યોજી રણનીતિ ઘડવામાં આવશે.