(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૬
અમરેલી જિલ્લામાં બાબરા, લાઠી, દામનગર તેમજ અમરેલી પંથકમાં વરસાદનું ધમાકેદાર આગમન થયેલ હતું. પવનના સૂસવાટા સાથે ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાયેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લામાં ભીમ અગિયારસના શુકનવંતા વરસાદનું અવિરત આગમન ચાલુ રહેલ હતું. બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારો નડાળા, રાત્રપરા, ચમારડી, ગમાપીપળિયા, ચેડુભાર સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ ખાબકેલ હતો. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોએ વાવણીલાયક વરસાદની આશા વ્યક્ત કરેલ હતી. લાઠીના હરસુપુર દેવળિયા, શેખ પીપરિયા, વાંડળીખ સહિતના ગામોમાં પણ વરસાદ ખાબકેલ હતો. દામનગર પંથકમાં પણ દોઢ ઈંચ જેટલા વરસાદથી સર્વત્ર પાણી છવાઈ ગયું હતું. ચલાલાના ગ્રામ્ય પંથકમાં ગોપાલગ્રામ, હાલરિયા, ઢોલરવા સહિતના ગામોમાં પણ વરસાદથી હવામાનમાં કારમી ગરમી-બફારા વચ્ચે ઠંડક પ્રસરી ગઈ હતી.