અમરેલી, તા.૪
અમરેલી જિલ્લામાં અસહ્ય બફારા વચ્ચે આજે બપોર બાદ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો જિલ્લાના મુખ્ય મથક અમરેલીમાં ધોધમાર ૨ ઇંચ વરસાદ ખાબકી જતા રહેણાંક વિસ્તારો તેમજ બજારોના માર્ગો ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા, જ્યારે ખાંભામાં ધોધમાર ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નદી-નાળા વહેતા થયા હતા તેમજ જિલ્લાના લીલીયા અને રાજુલામાં પણ ધોધમાર ૨ ઇંચ વરસાદ ખાબકી ગયેલ હતો. જ્યારે સાવરકુંડલા શહેરમાં પોણો ઇંચ તેમજ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબકેલ હોવાના સૂત્રોમાંથી જાણવા મળેલ હતું. જિલ્લાના અન્ય તાલુકામાં માત્ર ઝાપટા પડેલ હતા. અમરેલીમાં ધોધમાર વરસાદથી બાળકોમાં અનેરો આનંદ છવાયેલ હતો અને પ્રથમ વરસાદમાં ન્હાવાની મજા માણી ખુશીમાં જુમી ઉઠેલ હતા. અમરેલીમાં એક કલાકમાં ૨ ઇંચ વરસાદ પડતા પાણી પાણી થઇ જવા પામ્યું હતું. બાળકોએ મોસમના પ્રથમ વરસાદમાં અગાસીઓ ઉપર અને શેરીમાં ન્હાવાની મજા માણી હતી, જ્યારે ખાંભામાં પણ ધોધમાર ૩ ઇંચ વરસાદ ખાબકી જતા નદી નાળા વહેવા લાગયા હતા. જ્યારે લીલીયા અને રાજુલામાં પણ બે ઇંચ વરસાદ પડતા માર્ગો ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા, સાવરકુંડલામાં પણ પોણો ઇંચ વરસાદ પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતા નદી નાળા વહેવા લાગ્યા હતા ખેડૂતોમાં પણ વરસાદની ખુશી જોવા મળી હતી, જિલ્લાના અન્ય તાલુકામાં માત્ર ઝાપટાને ક્યાંક છાંટા પડ્યા હતા.