(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૬
અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે. આજે જાફરાબાદમાં સવારે અઢી ઈંચ વરસાદ ખાબકી ગયેલ હતો તેમજ ખાંભામાં પણ ધોધમાર વરસાદ સવા ઈંચ જેટલો વરસાદ પડેલ હતો. સાવરકુંડલામાં પણ સવારે એક ઈંચ વરસાદ પડ્યો હતો. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો હોવાના સુત્રોમાંથી જાણવા મળેલ હતું. સાવરકુંડલા શહેરમાં એક ઈંચ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અમરેલી સાવરકુંડલા વચ્ચે આવતી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. તેમજ જિલ્લાના રાજુલામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો અને લાઠી, લીલિયા, વડિયા, બગસરા, બાબરામાં ઝાપટા પડ્યા હતા. હજુ રાત્રિ દરમ્યાન વરસાદ વરસે તેવી શક્યતા સેવાઈ રહી છે.