અમરેલી,તા.૨૭
અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જુનિયર ક્લાર્ક રૂપિયા ૫ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતો વિનોદ વાલજીભાઈ ચૌહાણ ઉવ-૫૦ પાસે વાજપેયી બેંકેબલ યોજના તળે સ્વરોજગારી માટે ફરિયાદી તેમજ તેમની સાથેના સાહેદ અને પત્ની તેમજ ભાભી સહિતના આવેલ અને ફોર્મ ભરેલ આ યોજનામાં સ્વરોજગારી મેળવવા માટે ફરિયાદીને દૂધનો ધંધો શરૂ કરવાનો હોઈ અને તેના માટે ભેંસોની ખરીદી કરવાની હોઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જુનિયર ક્લાર્ક વિનોદ ચૌહાણ એ ફરિયાદીને કહેલ કે લોન મંજુર કરાવી હોઈ તો ૫ હજાર રૂપિયા આપવા પડશે. જેથી ફરિયાદીએ અમરેલી એસીબી ફરિયાદ કરતા એસીબી પીઆઇ આર.એન. દવે તેમજ સ્ટાફ દ્વારા છટકું ગોઠવતા આજે બપોરે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફરિયાદી પાસેથી રોકડા ૫ હજાર રૂપિયાની લાંચ લેતા જુનિયર ક્લાર્ક વિનોદભાઈ ચૌહાણને રંગે હાથે ઝડપી લીધેલ હતા દરમ્યાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જુનિયર ક્લાર્ક અરજદાર પાસેથી પાંચ હજારની લાંચ લેતા પકડાતા તે અંગેની પત્રકારોને માહિતી મળતા અમરેલી એસીબી કચેરીમાં ફોન કરતાં એસીબી સ્ટાફ દ્વારા મોડેથી ફોન કરશો તેમ કહેલ અને ફરી વખત ફોન કરતા હજુ વાર છે. મોડેથી ફોન કરજો તેમ ઉડાવ જવાબો આપી ફોન મૂકી દેતા હતા, એસીબી પી.આઈ.આર.એન દવે એ પણ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. એસીબીના પીઆઇ તેમજ સ્ટાફે પત્રકારોને માહિતી સમયસર ના આપતા એસીબી સામે પત્રકાર આલમમાં નારાજગી છવાઈ હતી.