(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.ર૯
અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિત અનેક તાલુકાઓમાં આજે બપોરે અચાનક વાતારણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. થોડીવારમાં એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. મીની વાવઝોડુંના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું હતું અને નદીમાં દુકાનોના પાલામાં શાકભાજીની લારીઓ તેમજ સામાન તણાઈ ગયેલ હતો. જોરદાર પવન સાથે વીજળીની કડાકા સાથે લાઈટ પણ ગુલ થઇ જવા પામી હતી. વિશ્વભરમાં કોરોના રોગ સામે લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે સાવરકુંડલામાં મીની વાવાઝોડું ફૂંકાતા લોકડાઉનમાં લોકો કેટલા સમયથી ધંધા વગર બેસેલ છે. ત્યારે કમોસમી વરસાદથી ભારે આર્થિક નુકસાની વેઠવી પડે તેવા પણ અણસાર વર્તાઈ રહ્યા છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ નુકસાનીની ચિંતા વર્તાઈ રહી છે. સાવરકુંડલામાં આજે બપોરે ત્રણેક વાગ્યે અચાનક કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયેલ હતો અને એકાદ કલાક બાદ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ હતો. વરસાદ સાથે જોરદાર પવન અને વીજળીના કડાકા સાથે મીની વાવાઝોડું ફૂંકાતા હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા, તો વળી ક્યાંક કાચા મકાનના નળિયાં પણ ઉડ્યા હોવાના સમાચાર મળેલ છે. મીની વાવાઝોડાના કારણે લોકોમાં ચિંતા જોવા મળી હતી.
ઉપરાંત, ખાંભા તાલુકાના અનિડા ગામે વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવાર વરસાદના કારણે વાડીના મકાનમાં આશરો લેતાં અચાનક પવનના કારણે એક પીપળાનું વૃક્ષ શ્રમિક પરિવારના બે બાળકો ઉપર પડતાં તેઓને ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એકને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સાવરકુંડલા, અમરેલી, રાજુલા, ખાંભા, બગસરા, ધારી સહિતમાં વરસાદ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું અને જોરદાર વીજળીના કડાકા સાથે પવન ફૂંકાયો હતો અને વરસાદ ખાબક્યો હતો. જેમાં ખાંભા તાલુકાના અનિડા ગામે વૃક્ષ ધરાશાયી થવાથી શ્રમિક પરિવારના બે બાળકોનાં મોત થયેલ હતા. જેમાં ગણપત મોહનસિંહ ભીંડેશ (ઉ.વ.૧૫) તેમજ રાજેન મુકેશસિંહ ભીંડેશ (ઉ.વ.૧૧) નામના બે બાળકોના ઘટનાસ્થળે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યા હતા. જ્યારે કમલસિંહ સંખેડા ભીંડેશ (ઉ.વ.૩૧)ને ઇજા થતાં સારવારમાં ખસડેલ હતા.