અમરેલી, તા.ર૧
અમરેલીના બે ટ્રાન્સપોર્ટની ટ્રકોમાંથી તાડપતરી ચીરી ટ્રકમાં પડેલ સામાનની ચોરી તસ્કરો કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના અમીન ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાં ડ્રાયવરની નોકરી કરતા કાળુભાઇ માયાભાઇ બતાડા જાતે ભરવાડ ગત તા.૧૬/૨ના રોજ અમીન ટ્રાન્સપોર્ટનો ટ્રક અમરેલીથી અમદાવાદ લઈને ગયા બાદ ત્યાંથી તા.૧૭ની રાત્રીના સફારી ટ્રાન્સપોર્ટમાંથી ૩૧૩ દાગીના ટ્રક ભરી અમરેલી આવવા નીકળેલ ત્યારે રસ્તામાં કાળુભાઈએ ધંધુકા ખોડિયાર હોટલમાં હોલ્ટ કરી જમ્યા હતા બાદમાં એક ચાની દુકાને ચા પાણી પીવા હોલ્ટ કર્યો હતો ત્યારબાદ ત્યાંથી અમરેલી વહેલી સવારે અમીન ટ્રાન્સપોર્ટ આવ્યા બાદ કાળુભાઇ તથા તેનો પુત્ર ટ્રકમાં સુઈ ગયા હતા અને અમીન ટ્રાન્સપોર્ટની ઓફિસ ખુલતા ટ્રક ઉતારતી વખતે ટ્રકમાં બાંધેલ તાડપતરી ચિરાઈ ગયેલ જોવા મળતા તેમાંથી એક કોપ્મ્યુટર પ્રિન્ટર કેબલ સહિતનો દાગીનો તેમજ એસ્સાર કંપનીના એલઇડી નંગ ૯ તેમજ નીલકંઠ ફાર્મ નો એક દાગીનો મળી કુલ રૂપિયા ૬૦,૯૧૦ ના માલસામાનની ચોરી કોઈ તસ્કરો કરી જતા સીટી પોલીસમાં કાળુભાઇ બતાડાએ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે અન્ય એક ટ્રાન્સપોર્ટના ટ્રક ડ્રાયવર રસીકલાલ કેશવલાલ જાની (ઉવ-૬૦)ના રહે. લીલીયા, હનુમાનપરા, તાલુકો- લીલીયાવાળો મહેસાણાથી તેલના ડબ્બા ભરીને અમરેલી આવી રહ્યા હતા ત્યારે તેમના ટ્રકમાંથી આજ રીતે કોઈ તસ્કરોએ ચોરી કરી હતી જેવો મહેસાણાથી અમરેલી આવતી વેળા ટ્રકમાંથી તાડપતરી ચીરી કોઈએ ૫૦થી ૬૦ નંગ તેલના કાર્ટૂન કિંમત રૂપિયા ૬૦ હજારની ચોરી કરી જતા અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.