(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૫
અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીથી નારાજ થઇ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામા ધરી દેતા અમરેલી જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમરેલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અરવિંદ કાછડિયા અને ઉપપ્રમુખ દિલીપ બસિયાએ આજે તેમના હોદ્દા ઉપરથી રાજીનામા ધરી દીધા છે. અરવિંદ કાછડિયાએ જણાવ્યું હતું કે, હું ૨૦/૨૫ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલ છું અને હાલમાં તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે પણ કામ કરૂં છું. પરંતુ અમારી કોઈપણ રજૂઆત સાંભળવામાં આવતી નથી. અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી તેમની સાથે મેલી રમત રમી રહયા છે તેવો ખુલ્લો આક્ષેપ કર્યો હતો. તેમની રજૂઆતો કે તાલુકા પંચાયતના કામો અંગે સાથે રાખવામાં આવતા નથી. લોકસભા ચૂંટણી વખતે પણ તેમણે લોકસભા ઇન્ચાર્જ તરીકે કામગીરી કરી હતી અને તાલુકા પંચાયત ચૂંટણી વખતે પણ ભાજપના નેતાઓને પાણી બતાવી તાલુકા પંચાયતમાં જીત હાસલ કરી હતી. પરેશભાઈએ હવે ઉચ્ચ હોદ્દા ઉપર છે. તેમણે હવે તાલુકા પંચાયતમાં અમને કામ કરવા દેવું જોઈએ જ્યારે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપ બસિયાએ પણ અરવિંદભાઈએ રાજીનામું આપ્યા બાદ તુરંત રાજીનામું આપી દીધું હતું. તેમણે પણ કહ્યું હતું કે, અમારી રજૂઆતો સાંભળવામાં પરેશભાઈ પાસે સમય નથી. કોંગ્રેસના કોઈપણ આયોજન કે કાર્યક્રમો વખતે બોલવા દેવામાં આવતા નથી અને તાલુકા પંચાયતની ગ્રાંટો ફાળવાતા નથી. અમારા ફોન પણ પરેશભાઈ ઉપાડતા નથી. અરવિંદભાઈ સાથે ગંદી રાજનીતિ રમત રમવાને લઇ તેમને પણ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું.