અમરેલી, તા.૨૦
અમરેલી જિલ્લાની વિધાનસભાની ૫ સીટોની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા લગભગ ઉમેદવારી માટે મુરતિયા તૈયાર હોઈ આવતીકાલે ઉમેદવારી માટેનો છેલ્લો દિવસ છે ત્યારે આજે અમરેલી ધારી બેઠક ઉપરથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. અમરેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાંથી બાવકુ ઉંધાડે તેમજ કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ આજે ઉમેદવારી પત્રો ભરી ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત અપક્ષ અને અન્ય પક્ષોમાંથી મળી કુલ આજે અમરેલી વિધાનસભા માટે અત્યાર સુધીમાં કુલ ૧૩ ઉમેદવારી પત્રો ભરાયા હતા જ્યારે આજે ૯૪ ધારી બગસરા વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી માટે ભાજપમાંથી દિલીપ સંઘાણીએ આજે ધારી ખાતે ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી તેમજ કોંગ્રેસમાંથી જયસુખ કાકડિયા અને તેમના પત્ની જયાબેન કાકડિયાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ધારીમાં અત્યાર સુધીમાં કુલ ૧૨ઉમેદવારી પત્રો ભરાયા છે. જ્યારે બાબરા બેઠક ઉપરથી આજે ભાજપમાંથી ગોપાલભાઈ વસ્તાપરાએ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી જ્યારે તેમની સામે કોંગ્રેસના વીરજીભાઈ ઠુમ્મર આવતીકાલે છેલ્લા દિવસે પોતાની ઉમેદવારી નોંધાવશે. લાઠી બેઠક ઉપરથી અત્યાર સુધીમાં કુલ ૧૩ ઉમેદવારી પત્રો ભરાયા છે જ્યારે સાવરકુંડલા અને રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠક ઉપર હજુ સુધી ભાજપ-કોંગ્રેસ બંનેના ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા નથી. જો કે રાજુલા જાફરાબાદ બેઠક ઉપરથી ભાજપમાંથી હીરાભાઈ સોલંકી નક્કી જ હોઈ ત્યારે સાવરકુંડલામાં પણ ભાજપમાંથી કલમલેશ કાનાણી નક્કી હોઈ પરંતુ તેમણે હજુ સુધી ફોર્મ ભર્યો નથી જ્યારે રાજુલા કોંગ્રેસમાંથી અંબરીશ ડેર તેમજ સાવરકુંડલા બેઠક ઉપરથી પ્રતાપ દુધાત સંભવિત ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી પત્રો ભરશે સાવરકુંડલા બેઠક ઉપર અત્યાર સુધીમાં માત્ર ૫ ઉમેદવારી પત્રો ભરાયા છે. રાજુલા બેઠક ઉપર હજુ સુધી માત્ર ૨ ઉમેદવારી પત્રો ભરાયા છે. જિલ્લાની ૫ બેઠક માટે અત્યાર સુધીમાં કુલ ૪૫ ઉમેદવારી પત્રો ભરાયા છે.