અમરેલી, તા.ર૪
અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરની “અભી બોલા અભી ફોક” જેવી નીતિથી પાલિકાના સદસ્યોમાં ભારે રોષની લાગણી છવાયેલ છે સાત દિવસ પહેલા મંજૂરી બિલોમાં પ્રમુખ, ચેરમેનોની સહીઓ નહીં લેવાના કરેલા હુકમને પોતે જ રદબાતલ કરી ફરી નવા હુકમમાં સહીઓ લેવાનો આદેશ કરવામાં આવેલ હતો. આવા હુકમ સામે પાલિકાના વિરોધપક્ષના સદસ્યો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી આપેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નગરપાલિકામાં રચવામાં આવેલ વિવિધ શાખા કમિટી ચેરમેનની નિમણૂંકો નિયમ વિરૂદ્ધ થયેલ હોવાની રજૂઆત પાલિકાના જ વિરોધપક્ષના સદસ્યો દ્વારા કરવામાં આવેલ હતી. ગેરકાયદેસર નિમાયેલા હોય તેના પેટા નિયમો મંજૂર કરવાની કાર્યવાહી ન કરેલ હોવા અંગે પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆત અન્વયે ચીફ ઓફિસર દ્વારા ગત તા.૧૬ના રોજ બિલોમાં ચેરમેન-પ્રમુખની સહી નહીં લેવાનો હુકમ કરેલ હતો. ત્યારબાદ ગત તા.૨૨ના રોજ ચીફ ઓફિસરે આ હુકમ રદબાતલ કરેલ હતો અને નવા હુકમમાં પ્રમુખ-ચેરમેનની સહીઓ બિલમાં લેવાનો ફરી આદેશ કરેલ હતો. ચીફ ઓફિસરની બેવડી નીતિથી વિરોધપક્ષના સદસ્યોમાં વિરોધની લાગણી છવાયેલ હતી. પાલિકાના સદસ્ય ચંદ્રિકાબેન બી.સોળિયાએ ભાવનગર કમિશનરના માર્ગદર્શનથી કરવામાં આવેલ નવા હુકમ સામે કમિશનરમાં કરવામાં આવેલી કાર્યવાહીની સર્ટિફાઈડ નકલ બે દિવસમાં આપવામાં ન આવે તો આંદોલન કરવાની ચીમકી આપતાં પાલિકાનું રાજકારણ ગરમાયું હતું.