અમરેલી, તા.૭
અમરેલી નગરપાલિકાનો પાંચ વોર્ડનો સફાઈનો કોન્ટ્રાકટ રાખનાર એજેન્સીને બ્લેકલિસ્ટ કરવાની અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પીપી સોજીત્રાની માંગણી બાદ કોન્ટ્રાકટ એજેન્સી ભાજપના દલિત મોરચાના આગેવાન ભાઈની હોઈ, આ મામલે બંને વચ્ચે આંતરિક શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું. ગઈકાલે આ યુદ્ધ જાહેરમાં આવી ગયેલ હતું ભાજપ દલિત મોરચાના શૈલેષ પરમાર પીપી સોજીત્રા વિષે ગાળો ભાંડતા વીડી નામના શખ્સે પીપી સોજીત્રાને ગાળો આપવાની ના પાડતા શૈલેષ પરમારે વીડીને એક તમાચો મારી દીધેલ હતો. અને ખોટો એટ્રોસિટી કેસમાં ફિટ કરવાની ધમકી આપતા સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી નગરપાલિકાનો વોર્ડ નંબર એકથી પાંચનો સફાઈનો કોન્ટ્રાકટ ભાજપ દલિત મોરચાના આગેવાન શૈલેષ પરમારનો ભાઈએ રાખ્યો હતો. તેની એજેન્સી દ્વારા બરાબર કામગીરી ના કરવાથી અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પીપી સોજીત્રા દ્વારા એજેન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગણી કરી હતી ત્યાર બાદ શૈલેષ પરમાર દ્વારા સોશિયલ મીડિયામાં પીપી સોજીત્રા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું ત્યાર બાદ આ આંતરિક યુંદ્ધ બહાર આવ્યું છે. ગઈકાલે વિનુભાઈ ઉર્ફે વીડી દેવશીભાઇ નાકરાણી નામનો યુવાન તેના મિત્રો સાથે મધ્યસ્થ સહકારી બેન્કના ગેટ સામે ઉભેલ હતો ત્યારે શૈલેષ હરિભાઈ પરમારે આવી શહેર વિકાસ સમિતિના ચેરમેન પીપી સોજીત્રા વિષે ખરાબ બોલી ગાળો બોલતો વિનોદ ઉર્ફે વીડીએ ગાળો આપવાની ના પાડતા શૈલેષ પરમાર ઉશ્કેરાઈ ગયેલ હતો અને વિનોદ ઉર્ફે વીડીને ગાલે તમાચો ચોડી દીધેલ હતો અને ખોટા એટ્રોસિટી કેસમાં ફિટ કરવાની ધમકી આપતા સીટી પોલીસમાં ભાજપ દલિત મોરચાના શૈલેષ પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.