(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૬
સરકાર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંગે સંબંધિત વિભાગ પાસેથી માહિતી મંગાવવામાં આવે છે, પરંતુ અમરેલી શહેરમાં ભૂગર્ભગટર, રોડ ઉપર પાણી ભરાવા તેમજ અડધા ઈંચ જેટલા વરસાદથી કલાકો સુધી વીજળી ડૂલ થઈ જવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા સબ સલામતમાં બણગા ફૂંકવામાં આવી રહેલ છે. તંત્રની બેદરકારીનો ભોગ જાહેર જનતા બની રહેલ છે. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરમાં ચોમાસાની ઋતુના પ્રથમ સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી. શહેરમાં હજુ ભૂગર્ભ ગટર સંપૂર્ણપણે કાર્યરત થાય તે પહેલાં સિમેન્ટના તકલાદી ઢાંકણા તૂટી જતા ગટરના ગંદા પાણી ઊભરાવા સહિતની અનેક ફરિયાદો ઊઠી છે. જવાબદાર પાલિકા તંત્ર તેમજ એજન્સી દ્વારા વિકટ પરિસ્થિતિમાં ફરિયાદોનો નિકાલ કરવામાં આવતો નથી. ભૂગર્ભ ગટર કાર્યરત થતાં જ ફરિયાદોનો ધોધ વહી રહેલ છે. જવાબદાર એજન્સીના કર્મચારીને નિયત સમય મુજબ પાલિકા કચેરીમાં ફરિયાદ માટે હાજર રહેવા જરૂરી બનેલ છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ વગર જ રોડનું નવિનીકરણની કામગીરી વેગવંતી બનેલ છે. વરસાદી પાણી રોડ ઉપર છવાતા તળાવ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. શહેરમાં આજે અડધો ઈંચ જેટલા વરસાદના આગમન બાદ વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજકંપનીનો ફોલ્ટ નંબર રિસિવર ડાઉન કરી દીધેલ હોય તેમ સતત એંગેજ આવતો હોવાની ફરિયાદો ઊઠેલ છે.