લાઠી,તા.૬
અમરેલીમાં હાલ મગફળીની ખરીદી થઈ રહી છે. ખરીદીનાં ર૦ દિવસ થઈ ગયા પણ હજુ સુધી ખેડૂતોને નાણાંની ચૂકવણી થઈ નથી. તો વળી મગફળીની ખરીદી ઝડપી નહીં થાય તો ૯૦ દિવસ પછી ખેડૂતોને કરોડોનું નુકસાન ભોગવવું પડશે. આવી રજૂઆતો સાથે ખેડૂત સમાજના અગ્રણી નરેશ વિરાણીએ મુખ્યમંત્રી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
વધુમાં નરેશ વિરાણીએ જણાવ્યું છે કે, જિલ્લાના અમરેલી, ધારી, બાબરા, રાજુલા, લીલીયા, ખાંભા, સાવરકુંડલા, બગસરા જાફરાબાદ સેન્ટર પર ગુજરાત સરકારના ભાવ રૂા.૧૦૦૦થી મગફળી ખરીદી થઈ રહી છે. ત્યારે આ મગફળી ખરીદીના ર૦ દિવસ થઈ ગયા છે અને માત્ર ૩પ૭૦ ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ખેડૂત દ્વારા જણાવાયું છે કે અમરેલીમાં મગફળી ખરીદી કરવામાં આવે છે. તે ખેડૂતોને ર૦ દિવસ વિતવા છતાં પણ એક પણ ખેડૂતોને મગફળીનું પેમેન્ટ મળ્યું નથી. જેના પગલે ખેડૂતોને પૈસા ક્યારે મળશે તેવી ચર્ચાઓ જાગી છે. આ તમામ સેન્ટરો પર દરરોજના માત્ર ૧૯૪ ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવી છે એટલે ૯ સેન્ટરો પર માત્ર ર૦થી ર૧ ખેડૂતોની મગફળીની જ ખરીદી કરવામાં આવે છે ત્યારે એક દિવસમાં ૧૦૦ ખેડૂતોને માર્કટીંગ યાર્ડ ખાતે પોતાની મગફળી લઈ આવવા મેસેજ કરવામાં આવ્યા છે. તે બદલ ૮૦ ખેડૂતોને ક્યારે પોતાનો નંબર લાગશે તેની રાહમાં રાત-દિવસ પોતાની મગફળી લઈને માર્કેટમાં રહેવું પડે છે એટલે સરકાર સમક્ષ માંગણી છે કે મગફળીની ખરીદી ઝડપી બનાવે અને જે નજીવા કારણોસર જે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. તે બંધ કરીને મગફળીની ખરીદી ઝડપી બનાવવા ખેડૂતો વતી ખેડૂત સમાજ નરેશ વિરાણીએ સરકારને અનુરોધ કર્યો છે. છેલ્લા ર૦ દિવસ સુધીમાં ર૦૦૦ ખેડૂતોની મગફળી માર્કેટીંગ યાર્ડમાં પડી છે ત્યારે આ ર૦૦૦ ખેડૂતોને પોતાની મગફળી ખરીદી માટે બધું કામ પડતું મૂકી દરરોજ માર્કેટીંગ યાર્ડ ખાતે ધરમનો ધક્કા થઈ રહ્યા છે. જેના પગલે ખેડૂતોનું રવી પાક વાવેતર અટકી ગયું છે ત્યારે જિલ્લાના ૯ સેન્ટરો પર મગફળીની ખરીદી ઝડપી બનાવી તથા વહેલી તકે પૈસાની ચૂકવણી કરવા ખેડૂતોએ માંગણી કરી છે.