અમરેલી, તા.૧૯
દ્વારકાના પૂર્વ ધારાસભ્ય દ્વારા કથાકાર મોરારીબાપુ સાથે કરેલ અશોભનીય વર્તન વિરૂદ્ધ અમરેલી જિલ્લામાં ઘેરા પડઘા પડેલ હતા. સાવરકુંડલાના માનવ મંદિર તેમજ અન્ય સંતો દ્વારા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી સંતોની સલામતીની માંગ કરેલ હતી. તેમજ જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રીએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ ધરી દઈ પબુભા માણેક સામે રોષ વ્યક્ત કરેલ હતો.
ગઈકાલે દ્વારકામાં ત્યાંના ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારીબાપુ પ્રત્યે તોછડું વર્તન કરી હુમલા જેવી ચેષ્ટા કરેલ હતી. જેના વિરૂદ્ધમાં આજે સાવરકુંડલાના માનવ મંદિરના ભક્તિરામબાપુ સહિત સાધુ સમાજ દ્વારા હુમલાની ઘટનાને વખોડી કાઢી સરકારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. મોરારીબાપુ દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવેલ હોવા છતાં પણ હુમલા જેવી ઘૃણાસ્પદ ઘટનાથી સાધુ સમાજમાં ઘેરા પડઘા પડેલ હતા. સાધુ-સંતો ઉપર ભાજપના ધારાસભ્યની આવી અશોભનીય ઘટના અંગે માનવ મંદિર આશ્રમમાં રામધૂન બોલાવવામાં આવેલ હતી. આવી ઘટનાથી ધર્મનો પ્રચાર અટકી જશે.
જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રી તુષાર ત્રિવેદીએ આજે આવી ઘટના વિરૂદ્ધમાં પોતાના હોદ્દાનું રાજુનામુ આપી જણાવેલ હતું કે, ભાજપના ધારાસભ્ય હોદ્દાના વ્યક્તિની વિચારસરણીને ન શોભે તેમજ ભાજપ પક્ષની નીતિ-રીતિ વિરૂદ્ધ કરવામાં આવેલ અશોભનીય વર્તનના વિરૂદ્ધમાં મારા હોદ્દાનું રાજીનામુ પ્રમુખને મોકલી આપેલ છે.