અમરેલી, તા.૧૪
દેશમાં દિવસે-દિવસે મોંઘવારીનો દર વધતો જાય છે. તાજેતરમાં ભાજપ સરકાર દ્વારા રાંધણગેસના ભાવમાં ઘરખમ વધારો કરાયો છે. ત્યારે અમરેલી જિલ્લાના કોંગી ધારાસભ્ય વિરજી ઠુંમરે સરકાર સામે તીખી પ્રતિક્રિયા દર્શાવી જણાવ્યું કે ભાજપ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકતા સામાન્ય જનતાને આર્થિક બોજો પડ્યો છે.
મોદી સરકારે ૧૪.ર કિલોગ્રામ વજનગાળા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.૧૪૯ સુધીનો ભાવ વધારો ઝીંકીને અને પાંચ કિલોગ્રામ વજનવાળા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં બાવન રૂપિયાનો વધારો ઝીંકીને મોંઘવારીથી તોબા પોકારી ચૂકેલી દેશની સામાન્ય જનતાને વધુ એક કમરતોડ ફટકો માર્યો છે. તેમ ધારાસભ્ય વિરજી ઠુંમરે એક નિવેદનમાં જણાવ્યું છે.
ઠુંમરે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારે દર મહિને રાંધણગેસની સબસિડી અને તેના બજાર ભાવમાં ફેરફાર કરવાની નીતિ અપનાવી છે. પરંતુ મોદી સરકારે ફ્યુઅલ સબસિડીમાં કાપ મૂક્યા પછી ઓઈલ માર્કેટિંગ કંપની (OMC)ઓએ ભાવ જાહેર કરવાનું બંધ કરી દીધું અને એલપીજી સિલિન્ડરનો ભાવ ૯૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયો છે.
ઠુંમરે વધુમાં એમ જણાવ્યું કે, હિન્દુસ્તાનની સામાન્ય પ્રજા મોંઘવારીના ડોઝ સહન કરી શકતી નથી અને આર્થિક ક્ષેત્રે હિન્દુસ્તાન ખતમ થઈ ચૂક્યું છે. ત્યારે ભાજપ અને વડાપ્રધાન પોતાની વાહવાહી કરવા માટે ૧૦૦ કરોડથી વધારે ખર્ચ કરી ટ્રમ્પને લાવી હિન્દુસ્તાનની સામાન્ય પ્રજા ઉપર આ ભાવ વધારાનો બોજો પોતાની વાહવાહી કરવા તો નથી નાખ્યો ને ? તેવો વેધક સવાલ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કર્યો હતો.
અમરેલી : રાંધણગેસના ભાવમાં વધારા સામે વીરજી ઠુંમરની સરકાર સામે તીખી પ્રતિક્રિયા

Recent Comments