અમરેલી, તા.૨૨
અમરેલી જિલ્લામાં આજે કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા.અમરેલીના ઈશ્વરિયાના ૫૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ૪૭ વર્ષીય વેપારીનો યુવાનનો કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ઈશ્વરિયાના પુરૂષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી જયારે સાવરકુંડલાના પુરૂષ તાજેતરમાં કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હતા.
હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કુલ ૪ દર્દીઓના મોત થયા છે અને ૧૫ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૪૪ પોઝિટિવ કેસમાંથી હાલ ૨૫ એક્ટિવ કેસ છે.
અમરેલી સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ.પંકજ જાદવનું કોરોનામાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. થોડા દિવસ અગાઉ તેમની માતાનું કોરોનામાં મોત થયું હતું.
સાવરકુંડલામાં બે દિવસમાં બે મોબાઈલના વેપારીઓને કોરોના પોઝિટિવ આવતા આ વાયરસથી અન્ય લોકો સંક્રમિત ના થાય તે માટે સાવરકુંડલા મોબાઇલ એસોશિએશન દ્વારા નિર્ણય કરવામાં આવતા મોબાઇલના વેપારીઓ દ્વારા આંઠ દિવસ સુધી પોતાની દુકાનો સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે, કોરોના પોઝિટિવ આવેલ બે વેપારીઓના સંપર્કમાં અન્ય વેપારી પણ આવેલ હોઈ અને ગ્રાહકો પણ એકથી વધારે દુકાને જતા હોય છે જેથી આ રોગ વધુ વકરે નહીં તે માટે સ્વૈચ્છાએ આઠ દિવસ દુકાનો બંધ રાખવા વેપારીઓએ નિર્ણય કરેલ છે.