(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
સુરત શહેરમાં દિન પ્રતિદીન કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. જેને લઇને કેન્દ્રની ત્રણ ટીમ સુરતમાં આવી છે. સમગ્ર પરિસ્થીતીનું નિરીક્ષણ કરશે. ૧ ટીમ કલેકટર કચેરી ખાતે કલેકટર, મનપા કમિશ્નર, પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણો માટે નિકળી છે. આ ઉપરાંત અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાતા વ્યક્તિનો રિપોર્ટ લેવાતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી બાજુ સુરતમાં વધુ એક કોરોનાથી મોત નિપજ્યુ છે. કુલ મૃત્યુઆંક ૧૫ અને પોઝિટિવ દર્દીઓની સંયા ૪૭૨ પહોંચી છે.
અમરોલી ખાતે કોરોના પોઝિટિવ દર્દી ૫૮ વર્ષીય આધેડના સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પરિવારને હોમ ક્વોરન્ટાઈન કરેલા છે. ત્યાં તેમના પુત્રની તબિયત ખરાબ થતાં હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અડાજણ માઉન્ટ એવન્યુમાં રહેતા અને એસ.એમ.સી.માં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકનો રસ્તામાં અકસ્માત થતાં તેને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયો હતા. જ્યાં જરૂરી સેમ્પલો લેતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ જાઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ યુવકના પરિવારને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. યુવકને કંઇ રીતે ચેપ લાગ્યો તે અંગે પાલિકા પણ માહિતી મેળવી રહી છે. આમ અત્યારસુધી કુલ મૃત્યુઆંક ૧૫ અને પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૭૨ પહોંચી છે. કોરોનાની સ્થિતિ જાણવા માટે દિલ્હીથી ટીમ સુરત પહોંચી છે. કેન્દ્રની ટીમે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ફરી બેઠક કરી છે.