(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
અમરોલીના એલએલબીના વિદ્યાર્થીએ કોઝવે પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો.
શહેરના અમરોલી વિસ્તારના છાપરાભાઠા ખાતે આવેલ શ્યામકૃપા સોસાયટીમાં રહેતો દીપક નંદકિશોર પ્રજાપતિ (ઉ.વ.૨૫) એલએલબીનો વિદ્યાર્થી હતો. કોઝવે ઉપર બાઇક ઉભી રાખી તે જોર જોરથી રડવા લાગ્યો હતો અને ત્યારબાદ તાપી નદીમાં ભુસ્કો મારી દીધો હતો. મિત્ર હમીરની નજર સામે જ તેને આ પગલું ભરતા, હમીરના હોશ ઉડી ગયા હતા. જેને બનાવ અંગે તાત્કાલિક ઘરનાઓને અને પોલીસને જાણ કરી હતી. જેથી તેઓ ઘટના સ્થળે ધસી ગયા હતા.
મોડી સાંજે દીપકનો મૃતદેહ તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ચોકબજાર પોલીસે આ મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ લાશને તેના ઘરનાઓએ સોપી દીધી હતી. જેમણે મૃતકની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ દીપક હાલમાં વકીવાતની પ્રેક્તિસ કરતો હતો. બે-ત્રણ વર્ષથી એક યુવતી સાથે તેનો પ્રેમ સંબંધો હતો. જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી બંને વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. ગઇકાલે સાંજે બંને સ્ટાર બજાર પાસે મળ્યા હતા. ત્યાં પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ત્યાંથી નિકળી દીપકે આ અંતિમ પગલું ભર્યું હતું. ચોકબજાર પોલીસે બનાવની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.