(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
અમરોલી ક્રોસ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેની સાથે ડાયમંડ ફેકટરીમાં કામ કરતા સહકર્મચારી સાથે પ્રેમ સંબંધ થતા તેના પતિ પાસે અવાર-નવાર છૂટાછેડાની માંગણી કરતા કંટાળેલા પતિએ ઘરનો દરવાજાને અંદરથી તાળુ મારી પત્ની ઉપર કટરથી જીલવેણ હુમલો કરી શરીર ઉપર ઉપરા-છાપરી ઘા મારી લોહીલુહાણ કરી હતી.અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ અમરોલી ક્રોસ રોડ પલક રેસીડેન્સીમાં રહેતા અરવિંદ ક્રિષ્ણકુમાર શુકલાએ ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે ઘરના દરવાજાને અંદરથી તાળુ મારી તેની પત્ની આરતી (ઉ.વ.૩૦) ગાેંધી રાખી ઢોર મારમારી તેના બંને હાથે, કપાળ, માથા, કમર, પીઠ, જાંઘના તેમજ કાનના પાછળના, દાઢીના, ખભાના ભાગે કટરના ઉપરા છાપરી અનેક ઘા મારી લોહીલુહાણ કરી નાંખતા તેણીનેે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે આરતી ડાયમંડ ફેકટરીમાં હીરા ઘસવાની મજૂરી કામ કરે છે ત્યારે તેની સાથે અગાઉ કામ કરતો રાજ દિપેશકુમાર શાહ સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેના કારણે આરતી અવાર નવાર પતિ અરવિંદ શુકલા પાસે છુટાછેડાની માંગણી કરી ઝઘડો કરતી હતી. બનાવ અંગે પોલીસે આરતી શુકલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.