(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરત એરપોર્ટ ઉપર ફરજ બજાવતા પીએસઆઇ ઉપર ગતરોજ અમરોલી વી.આઇ.પી. સર્કલ પાસે આવેલ રાધાક્રિષ્ણા રેસ્ટોરન્ટમાં અજાણ્યા ચાર થી પાંચ ઇસમો દ્વારા લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ મોડી રાત્રે અમરોલી પોલીસ મથકે નોંધાવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા પીએસઆઈ ખેતાભાઈ દેવાભાઈ રાવળ મોટા વરાછા હંસ સોસાયટીમાં રહે છે. ગતરાત્રે દસેક વાગ્યાના સુમારે પીએસઆઈ રાવળ અમરોલી વીઆઈપી સર્કલ પાસે આવેલ રાધાક્રિષ્ણ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતાં. રેસ્ટોરન્ટમાં જમતી વખતે બાજુના ટેબલ પર ત્રણથી ચાર અજાણ્યા ઈસમો અશબ્દો બોલતા હતા. પીએસઆઈ રાવળ દ્વારા અજાણ્યા યુવાનોને ફેમિલી રેસ્ટોરન્ટમાં અપશબ્દો નહીં બોલવા માટે જણાવ્યું હતું. અજાણ્યા યુવાનો દ્વારા ેની અદાવત રાખી રેસ્ટોરન્ટ બહાર ૬ થી ૭ના ટોળામાં ઊભા હતા. ખેતા દેવા રાવળ સિવિલ ડ્રેસમાં હોવાથી અને તેમને પોતે પોલીસ કર્મી હોવાની ઓળખ આપી ન હતી. રેસ્ટોરન્ટની બહાર નીકળતા સાથે અજાણ્યા યુવાનો દ્વારા ખેતા દેવા રાવળ ઉપર લાકડાના ફટકાથી માર માર્યો હતો,માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોડી રાત્રે અઢી વાગે અમરોલી પોલીસ મથકે ચારથી પાંચ અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.