અમરેલી,તા.૫
દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓમાં ભેળસેળને લઇ આજે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દૂધના સેમ્પલો લઇ ભેળસેળ છે કે કેમ તે અંગે પરીક્ષણ માટે મોકલેલ હતા અમરેલીમાં પણ આજે ફૂડ એન્ડ ડ્રગસ વિભાગ દ્વારા અમરેલીની અમર ડેરી તેમજ માધવ ડેરીમાં આવતા વાહનોમાંથી રોડ ઉપરથી નમૂના લઇ પરીક્ષણ માટે લીધા હતા. રાજ્યવ્યાપી દૂધમાં ભેળસેળને લઇ આરોગ્ય વિભાગે આળસ ખખેરી દૂધના સેમ્પલો લેતા દૂધની ડેરીઓ અને પાર્લરો ચલાવતાઓમાં ફફડાટ ફેલાઈ ગયેલ હતો.
દૂધમાં કેટલાય સમયથી ભેળસેળ તેમજ મીલાવટને લઇ જનતા ત્રાહિમામ પોકારી ગયેલ છે અને તેની અસંખ્ય ફરિયાદો મળતા આજે ગુજરાત ભરમાં આરોગ્ય વિભાગે દૂધની ડેરીઓ તેમજ પાર્લરોમાંથી દૂધના નમૂનાઓ લીધા હતા. ગુજરાતની જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહેલ દૂધ માફિયાઓ ઉપર આજે આરોગ્ય વિભાગે ડેરીઓમાં આવતા વાહનોમાંથી દૂધના નમૂનાઓ લીધા હતા.
જેમાં અમરેલી ફૂડ એન્ડ ડ્રગસ વિભાગના અધિકારી આર.બી. રાજ તેમજ ફૂડ સેફટી ઓફિસર એસ પી સોલંકી સહિતની ટીમે ધારી રોડ ઉપરથી અમર ડેરી અને માધવ ડેરીમાં દૂધ ઠાલવા જઈ રહેલ ત્રણ વાહોનોને રોડ ઉપર રોકી નમૂના લીધા હતા. જેમાં ખડિયાની અભય ડેરીમાંથી માધવ ડેરીમાં દૂધ ઠાલવા જઈ રહેલ બોલેરો વાહન નં-જીજે ૧૪ડબ્લ્યુ ૬૧૯૭ માંથી ફૂડ વિભાગે દૂધનો નમૂનો લીધો હતો જયારે અમર ડેરીમાં દૂધ ઠાલવા જઈ રહેલ ખાંભાના ઇંગોરાળા ગામેથી આવેલ વાહન ન-જીજે-૦૧ ડીટી-૩૮૪૨ તેમજ બગસરાની ડીએમસી ડેરીમાંથી આવેલ વાહન ન જીજે-૦૨ ઝેડ-૪૮૬૮ ના વાહનમાંથી પણ ફૂડ વિભાગે દૂધનો નમૂનો લઇ વડોદરા ખાતે પરીક્ષણ માટે મોકલ્યો હતો ફૂડ વિભાગ દ્વારા દૂધના સેમ્પલો લેવાની ચકાસણીને લઇ દૂધના પાર્લરો તેમજ ડેરીઓ ચલાવતા ઉપર ફફડાટ ફેલાઈ ગયો હતો.