(એજન્સી) ભોપાલ, તા. ૧૨
મધ્યપ્રદેશના કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ કહ્યું છે કે, અમારા ધારાસભ્યોને બંધક બનાવીને રખાયા છે, લોકશાહી જોખમમાં છે. કોંગ્રેસના ધારાસભ્યોને દબાણમાં લાવીને બંધક બનાવ્યા છે. જો ધારાસભ્યોને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો અમે આ મુદ્દે કોર્ટમાં જઇશું. અમે સુપ્રીમ કોર્ટમાં જઇશું અને કોર્ટને જાણ કરીશું કે કઇ રીતે લોકશાહી જોખમમાં મુકાઇ છે. અમારા બે મંત્રી જીતુ પટવારી અને લખનસિંહ બેંગલુરૂ ગયા હતા. તેમના પર હુમલો કરાયો. અમને માહિતી મળી છે કે, અમારા મંત્રીઓની ધરપકડ કરાઇ છે. જો પોલીસ પગલાં લઇને અમારા મંત્રીઓ અને ધારાસભ્યોને છોડશે નહીં તો આ બાબતને અમે કોર્ટમાં પડકારીશું. તેમણે એમ પણ કહ્યું કે અમારા મંત્રીઓ તથા ધારાસભ્યો સાથે મારપીટ કરવાનો અમારી પાસે વીડિયો પુરાવા પણ છે જે અમે કોર્ટમાં દેખાડીશું.