(એજન્સી) તા.૧ર
રાજ્યસભાની ચૂંટણીમાં વધુ એક બેઠક મેળવવા માટે અને રાજસ્થાનમાં સત્તા કબજે કરવા માટે ભાજપ દ્વારા સરકારને સમર્થન આપતાં ધારાસભ્યોને તોડવાના પ્રયત્નોની અફવા વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, કોંગ્રેસ લોકશાહીની અવગણના કરતી ફાસીવાદી શક્તિઓને ઉઘાડી પાડશે. ગેહલોતે પાર્ટીના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા અને ઉપમુખ્યમંત્રી સચિન પાઈલોટ સાથે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, ૧૯ જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં તેમના બન્ને ઉમેદવારો વિજયી બનશે. ગેહલોત અને પાઈલોટે કહ્યું હતું કે, તેમના ધારાસભ્યો વેચાણ માટે નથી. તેઓ કોંગ્રેસના સમર્થનમાં અડીખમ રહેશે. ગેહલોતે આ પણ કહ્યું હતું કે, તેમણે રાજ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને ભાજપ દ્વારા રોકડની મોટાપાયે થઈ રહેલી હેરફેરની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસના ૧૦૭ ધારાસભ્યો છે અને ૧૩ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આમ ર૦૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં ગેહલોત સરકારને ૧ર૧ ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે ભાજપ પાસે ૭ર ધારાસભ્યો છે અને તેને અન્ય ૬ ધારાસભ્યોનું સમર્થન છે.