નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ પર આરએસએસનો કેટલો પ્રભાવ છે ? હિંદુત્વ સંગઠનોની માગણીઓ શું હતી અને નવી નીતિમાં તેમની કેટલી માગણીઓ સ્વીકારવામાં આવી છે ? ચાલો આપણે વિગતવાર તેને જોઇએ.

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં બદલાવથી હિંદુત્વ સંગઠનો ખુશ છે

૩૪ વર્ષ બાદ દેશને નવી શિક્ષણ નીતિ મળી છે અને શિક્ષણમાં સુધારા માટે કામ કરનારા જમણેરી સંગઠનો ઘણા ખુશ છે કારણ કે તેમને એવું લાગી રહ્યું છે કે નવી નીતિમાં તેમની મોટા ભાગની માગણી સ્વીકારી લેવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ (નેપ) ૨૦૨૦ને આવકારતા હિંદુત્વ સંગઠન ભારતીય શિક્ષણ મંડળના પ્રવક્તા કે જી સુરેશે જણાવ્યું છે કે કોઇને કોઇ સ્વરૂપે અમારી ૬૦થી ૭૦ ટકા માગણીઓને સામેલ કરવામાં આવી છે. સ્વાયત્ત હોવાનો દાવો કરનાર એક વધુ જમણેરી સંગઠન શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સંસ્થાપક અને આરએસએસના પ્રચારક દિનાનાથ બત્રાએ પણ નવી પોલિસીમાં પોતાની ભલામણો સામેલ કરવા માટે જોર લગાવ્યું હતું. સંઘ અને તેના સંલગ્ન સંગઠનોના મુખ્ય પ્રસ્તાવ કે જેમને નેપ-૨૦૨૦માં સ્થાન મળ્યું છે. તેના પર એક નજર કરીએ.

  • ૧૯૮૫માં રાજીવ ગાંધીના શાસનકાળમાં શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરવામાં આવ્યું હતું. ભારતીય શિક્ષણ મંડળના કે જી સુરેશે જણાવ્યું છે કે તેમણે સંસ્કૃતિ શબ્દ જોડવાનું સૂચન કર્યુ હતું તેમ છતાં અમે ખુશ છીએ કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે.
  • ધો.૫ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની હિંદુત્વ સંગઠનોની માગણી હતી જે સ્વીકારવામાં આવી છે.
  • બાળકોના સંપૂર્ણ વિકાસ માટે શિક્ષણ પ્રથામાં સ્થિતિ સ્થાપકતા અને વોકેશનલ એજ્યુકેશનને સામેલ કરવા સંઘ અને તેની સહયોગી સંસ્થાઓ શરૂઆતથી વિચારી રહી છે.
  • નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન-કે જી સુરેશે જણાવ્યું હતું કે રાષ્ટ્રને આગળ વધવા માટે રીસર્ચ પર ધ્યાન આપવું જરુરી છે.

બેઠકો, સેમિનાર, ભલામણ રિપોર્ટ : હિંદુત્વ સંગઠનોએ કેવી રીતે પોતાની વાત મનાવડાવી

ભાજપના મોટા નેતાઓ સાથે કેટલીય બેઠકો, કેટલાય સંમેલનો, ફીડબેક સેમિનાર અને ભલામણવાળા વિસ્તૃ રિપોર્ટ-આ રીતે આરએસએસ અને તેની સહયોગી સંસ્થાઓએ એક સાથે મળીને કામ કર્યું.

  • ૨૦૧૬માં તત્કાલીન માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે શિક્ષણ નીતિ પર સંઘનો મત જાણવા વિદ્યા ભારતી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, ભારતીય શિક્ષણ મંડળ, સંસ્કૃતભારતી સહિત આરએસએસ સાથે સંકળાયેલ સંસ્થાઓ સાથે બેઠક કરી.
  • કોઠારીએ જણાવ્યું કે દિનાનાથ બત્રા દ્વારા સ્થાપિત શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસે શિક્ષણ નીતિ તૈયાર કર્યા બાદ ફીડબેક માટે દેશભરના ૬૦૦૦ શિક્ષણવિદો સાથે ૪૦ મોટા પરિસંવાદો અને બેઠકોનું આયોજન કર્યુ હતું.

શું ઇજીજી સાથે સંકળાયેલ સંગઠનોની માગણી પર સરકારે કોઇ પ્રકારે સંતુલન બનાવવું પડ્યું ?

સરકારે હિંદુત્વ સંગઠનોની તમામ માગણીઓને સ્વીકારી નથી અથવા તો તેને સામેલ કરવા બીજા ઉપાય શોધી કાઢ્યાં છે ત્યારે શું સંગઠનો નવી નીતિથી સંતુષ્ટ છે ? આ અંગે એસએસયુએનના મહામંત્રી અને બાત્રાના અનુગામી અતુલ કોઠારીએ જણાવ્યું હતું કે અમારી કેટલી ભલામણોનો અમલ કરવામાં આવ્યો છે કે નથી તે સાથે અમારે નિસ્બત નથી. આ પોલિસી રાષ્ટ્ર અને તેના બાળકો માટે ફાયદાકારક છે તેથી અમે સ્વીકારીએ છીએ.

શું અભ્યાસક્રમને ફરીથી તૈયાર કરવામાં હિંદુત્વ સંગઠનોની ભૂમિકા હશે ?

નવી શિક્ષણ નીતિમાં જણાવાયું છે કે અભ્યાસક્રમના વિષયવસ્તુને દરેક વિષયમાં ઘટાડવા માટે અત્યંત પાયાની બાબતો પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમાં વધુમાં જણાવાયું છે કે શરુઆતના તબક્કાથી શરૂ કરીને બાકી તમામ સુધી અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રને એક મજબૂત ભારતીય અને સ્થાનિક સંદર્ભ આપવાના દ્રષ્ટિકોણથી ફરીથી તૈયાર કરવામાં આવશે અને તેમાં સંસ્કૃતિ, પરંપરા, વિરાસત, રીતિરિવાજ, ભાષા દર્શન, ભૂગોળ, પ્રાચીન અને સમકાલીન જ્ઞાન, સામાજિક અને વૈજ્ઞાનિક જરૂરિયાતો, શીખવા માટે સ્વદેશી અને પારંપારિક પદ્ધતિ વગેરે તમામ મંતવ્યોને સામેલ કરાશે.

– અસ્મિત નંદી                                        (સૌ. : ધ ક્વિન્ટ.કોમ)