(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
સમગ્ર દિવસ માટે સંસદનો બહિષ્કાર કર્યા બાદ વિપક્ષે મંગળવારે કહ્યું હતું કે, વારંવારની મોકૂફી દ્વારા તેમના અવાજને રૂંધવામાં આવી રહ્યો છે. સભાપતિ વેંકૈયા નાયડુ પર આરોપ મુકતા વિપક્ષે કહ્યંુ કે, પાછલા દિવસે તેમણે સાંજે છ વાગ્યા સુધી તેમના દ્વારા લવાયેલા સેંકડો મુદ્દાઓને ઉઠાવવા માટે મંજૂરી આપી નહોતી. કોંગ્રેસના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી, સીપીઆઇ, સીપીએમ અને ડીએમકેએ નાયડુ વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો અને કહ્યું હતું કે, જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો તેઓ કોઇ પગલાં ભરશે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે, અધ્યક્ષ લોકહિતના મુદ્દાઓ પર અમને બોલવા દેતા નથી જે બાબત યોગ્ય નથી. તેથી વિપક્ષે એકજૂટ થઇ આખા દિવસ માટે સંસદની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ચેરમેને નિયમો અનુસાર સદનની કાર્યવાહી ચાલવા દેવી જોઇએ પરંતુ એવું નથી થઇ રહ્યું. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે, જે રીતે રાજ્યસભાની કાર્યવાહી ચલાવવામાં આવે છે તેમાં વિપક્ષના અવાજે દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે અહીં લોકોના અવાજને ઉઠાવવા આવ્યા છે. જો અમને એવું ના કરવા દેવામાં આવે તો સંસદનું શું અર્થ રહે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે, અમે આ બાબતને બિનલોકશાહી માનીએ છીએ અમે લખિતમાં તેને રાજ્યસભાના અધ્યક્ષને આપીશું. દેશના વિવિધ ભાગોમાંથી આવનારા સાંસદોને બોલવા દેવામાં આવતા નથી. આ દરમિયાન આઝાદે જણાવ્યું કે, અધ્યક્ષ શૂન્યકાળમાં પણ કોઇ મુદ્દો ઉઠાવવા દેતા નથી. તેઓ ઉભા થઇ જાય છે અને ગૃહની કાર્યવાહી મોકૂફ કરી દે છે અને આ રીતે અમારો અવાજ દબાવી દેવાય છે. અધ્યક્ષના આવા વર્તન બાદ સમાજવાદી પાર્ટી, તેલુગુદેશમ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે વારંવારની મોકૂફીથીકંટાળી દેખાવોના ભાગરૂપે સમગ્ર દિવસ માટે ગૃહનો ત્યાગ કર્યો હતો. તૃણમુલ કોંગ્રેસના સાંસદ જેરેક ઓબ્રાયને કહ્યું કે, ગૃહમાં સવારે શું બન્યું હતું, આવું તો ૧૯૫૦થી દેશમાં બન્યંુ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સંસદની પરંપરાનો ભંગ થઇ રહ્યો છે.