(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૯
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ અમિત ચાવડા પ્રથમ વખતે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિતનાં કોંગ્રેસ અગ્રણીઓએ તેમણું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અમારા જેવા યુવા નેતા પર વિશ્વાસ મુકયો તે બદલ તેમણો આભાર વ્યકત કરૂ છું. વિધાનસભાની ચુંટણીમાં શહેરી વિસ્તારમાં અમે પાછળ રહ્યાં હતા. પરંતુ અમે પ્લાન બનાવીને શહેરી વિસ્તારનાં પ્રશ્નો જેવા કે, બેરોજગારી અને મોંઘવારી સહિતનાં મુદ્દે અમે લડત આપીશું. કોંગ્રેસનાં સંગઠનને મજબુત બનાવવા માટે અમારી સામે મોટો પડકાર છે. તેને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરીશું. આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ વધુ સારો દેખાવ કરશે તેવી અમને આશા છે. સીબીએસઇનાં પેપર લીક થવાથી ફરીથી પરીક્ષા ના લેવાવી જોઇએ. કોંગ્રેસે તેના માટે આંદોલન શરૂ કર્યું છે. સમાજનાં હિતમાં અમારૂ આ આંદોલન છે. આગામી દિવસોમાં અમે રાજ્યમાં પછાત વર્ગ પર થઇ રહેલાં અત્યાચાર અને અન્યાયનાં વિરોધમાં કામ કરીશું. કોંગ્રેસની વિચારધારા હંમેશા એકજ રહી છે. અને કોંગ્રેસ પોતાની વિચારધારા સાથે અડગ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.