(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કર્ણાટક ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ભાજપ આઈટી હેડના ટ્‌વીટ પર વિવાદ પેદા થયો છે. આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસે તેને ‘સુપર ઈલેક્શન કમિશન’ ગણાવ્યો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપને આડે હાથ લેતા કહ્યું કે ચૂંટણી પંચની વિશ્વસનીયતાને સીધો પડકાર ફેંકવામાં આવ્યો. સુરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે ભાજપ સુપર ઈલેક્શન કમિશન બની ગઈ છે. તેમણે અમિત માલવીયના ટ્‌વીટના સ્ક્રીનશોટની સાથે હિન્દી અને અંગ્રેજીમાં ટ્‌વીટ કર્યું. સુરજેવાલાએ સવાલ ઉઠાવતાં કહ્યું કે શું ચૂંટણી પંચ ગોપનીય સૂચના લીક કરવાના કિસ્સામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને નોટીસ જારી કરશે અને આઈટી હેડની સામે એફઆઈઆર નોંધાવશે. કોંગ્રેસ પ્રવક્તાએ આગળ કહ્યું કે મોટો સવાલ એ છે કે શું ભાજપ બંધારણીય સંસ્થાઓનો ડેટા ચોરી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતની સામે પહેલેથી લીક થયેલી તારીખ જણાવી ત્યારે તેઓ હેરાન દેખાયાં. તેમણે કહ્યું કે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ પછી જ્યારે રાવતે તારીખોની જાહેરાત કરી ત્યારે મતદાન તારીખ ૧૨ માર્ચ નીકળી અને મતગણના ૧૫ માર્ચે થવાની જાહેરાત થઈ. અમિત માલવીયે ટ્‌વીટમાં ૧૨ મે ના દિવસે મતદાન અને ૧૮ મે ના રોજ મતગણતરીની જાહેરાત કરી હતી. સૂત્રોએ કહ્યું કે હાલમાં ચૂંટણી પંચનો એવો કોઈ કાયદો નથી કે જેને આધારે તારીખ લીક થયા બાદ અમિત માલવીયની સામે કોઈ કાર્યવાહી થઈ શકે. જોકે ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે. વિવાદ વધતાં અમિત માલવીયે ટ્‌વીટ ડીલિટ કરી નાખ્યું હતું. કોંગ્રેસ નેતા ખડેગેએ પણ કહ્યું કે અમિત માલવીયે ૧૧ વાગ્યે ચૂંટણીની તારીખ અંગે ટ્‌વીટ કર્યું તેનો અર્થ ભાજપ ચૂંટણીની તારીખ અંગે ચૂંટણી પંચને નિર્દેશ આપી રહ્યો હતો. મને ચૂંટણી પંચ પાસેથી આશા છે કે તે બંધારણ અને કાનૂન અનુસાર કામ કરશે અને ડેટા લીક નહીં થવા દેય.પહેલા ક્યારેય આવું થયું નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા યોજાઈ રહેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મહત્વની બની રહેવાની છે. ૨૨૪ સભ્યો ધરાવતી વિધાનસભાનો કાર્યકાળ ૨૮ મે ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે.