(એજન્સી) તા.ર૫
બાઉલ ગાયક બાસુદેબ દાસે બુધવારે જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રવિવારે કોઈ વાતચીત કરી શકયા ન હતા કારણ કે અમિત શાહ દાસના શાંતિ નિકેતનમાં સ્થિત નિવાસ પર બપોરનું ભોજન કર્યા પછી તરત જ જતા રહ્યા હતા. રાજયની તૃણમૂલ કોંગ્રેસ સરકારે ગરીબીમાં જીવન પસાર કરી રહેલા દાસને નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું છે. દાસનું કહેવું છે કે ર૯ ડિસેમ્બરે જિલ્લામાં યોજાનારી મુખ્યમંત્રી મમતા બેનરજીની સભામાં તેઓ હાજર રહેશે ટીએમસીના બીરભૂમ જિલ્લાના અધ્યક્ષ અનુબ્રત મંડલે દાસને રાજય સરકાર તરફથી નાણાકીય સહાય મેળવી આપવાનું વચન આપ્યું હતું. દાસે કહ્યું કે શાહજી આટલી મોટી હસ્તી છે, મારે તેમને કંઈક કહેવું હતું. હું તેમને બાઉલ કલાકારોની સ્થિતિ વિશે જણાવવા માંગતો હતો અને ઈચ્છતો હતો કે આ અંગે કંઈક થઈ શકે છે ? રાજય સરકાર અમારી મદદ કરે છે, આ સંબંધમાં કેન્દ્ર સરકાર કંઈ કરી શકે તેમ છે ? અમિત શાહજીના જતા રહ્યા પછી ભાજપના કોઈપણ નેતાએ મારો સંપર્ક કર્યો નથી. ત્યાર બાદ મંડલે કહ્યું કે, પોતાનું કામ પુરૂ થઈ ગયા પછી ભાજપ બાસુદેબ દાસને ભલે ભૂલી ગઈ હોય પણ અમે ૩૬પ દિવસ તેની સાથે છીએ. દાસે કહ્યું કે લોકડાઉન દરમ્યાન રાજય સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી યોજના અંતર્ગત તેમને સતત ઘઉં અને ચોખા મળતા આવ્યા છે.