(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ભાજપની કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળમાં મમતાની સરકાર વચ્ચે ફરી એકવાર ખેંચતાણ ઊભી થઈ છે. આ વખતે ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યમાં પરપ્રાંતિયોની ટ્રેનોને આવવાથી રોકવા માટે રાજ્ય સરકારની ટીકા કરી છે. પત્રમાં અમિત શાહે કહ્યું કે, પરપ્રાંતિયોની ટ્રેનોને રાજ્યમાં આવવાની મંજૂરી ન આપવી એ ‘અન્યાય’ છે. દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેનોને પરપ્રાંતિયોને તેમના નિવાસ સ્થાને પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ લખ્યું કે, પરંતુ અમને પશ્ચિમ બંગાળ સરકારનો પૂરતો એવો સાથ નથી મળી રહ્યો. આ પશ્ચિમ બંગાળના પરપ્રાંતિયો માટે અન્યાય છે. તેઓ તેમના માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. જો કે શાહના પત્રને લઈ તૃણમૂલ સમર્થકો વચ્ચે ખૂબ જ નારાજગી જોવા મળી હતી. વરિષ્ઠ નેતા અભિષેક બેનરજીએ ગૃહમંત્રીને પડકાર ફેંકતા આરોપોને સાબિત કરવા કે માફી માગવા કહ્યું હતું. બેનરજી જે મમતાના ભત્રીજા છે તેમણે ગૃહમંત્રી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ગૃહમંત્રી ઘણા અઠવાડિયા સુધી ચૂપ રહ્યા બાદ હવે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ગૃહમંત્રી મહામારી વચ્ચે પોતાની ફરજોથી ચૂકીને આટલા દિવસો સુધી ચૂપ રહ્યા અને હવે લોકોને ગેરમાર્ગે દોરવા ખોટા જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે. તેમણે વ્યંગાત્મક રીતે કહ્યું કે, તેઓ એવા લોકો વિશે વાત કરી રહ્યા છે જે લોકો તેમની જ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તમે કાં સાબિત કરો કે માફી માંગો.