(એજન્સી) કોલકાતા, તા.૨૨
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પત્રકાર પરિષદ યોજી સરકાર પર હુમલો કર્યો છે. મમતા બેનરજીએ કહ્યું કે, બંગાળના પ્રવાસ સમયે ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની ખોટી તસવીર રજૂ કરી હતી. ભાજપના રાજકીય હિંસાનો જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યમાં રાજકીય હિંસામાં ઘટાડો થયો છે. અમિત શાહે ઉઠાવેલા સવાલો વિષે મમતા બેનરજીએ જણાવ્યું હતું કે,’ ગૃહપ્રધાનને જુઠ્ઠું બોલવું શોભા નથી આપતું. હું તેમના સવાલોના જવાબ આપીશ. ભાજપ ચીટિંગબાજ પક્ષ છે, રાજકારણ માટે તે કાંઈ પણ કરી શકે છે.’મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રમ ફેલાવી રહી છે. મમતાએ કહ્યું કે ૨૮ ડિસેમ્બરે તેઓ એક વહીવટી બેઠકમાં ભાગ લેવા બીરભૂમ જશે અને ૨૯ તારીખે ત્યાં રેલી કરશે. બીરભૂમના બોલપુર ખાતે અમિત શાહે રવિવારે રોડ શો કર્યો હતો. રોડ શો કર્યા પછી અમિત શાહે જણાવ્યું હતું કે બંગાળ શિક્ષણ,આરોગ્ય અને વિકાસ મોરચે પીછેહટ કરી રહ્યું છે. પરંતુ ભ્રષ્ટાચાર, કુટુંબવાદ અને રાજકીય હિંસામાં નંબર વન બની ગયું છે. પત્રકાર પરિષદમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે,’ ખોટા તથ્યો બોલીને અમિત શાહ બંગાળના લોકોનું અપમાન ના કરે.’
બેનરજીએ કહ્યું કે, આત્મહત્યાને પણ રાજકીય હત્યા ગણાવી દેવામાં આવે છે. મમતાએ કહ્યું કે, ભાજપ પતિ-પત્નીના ઝગડાને પણ રાજકીય ઝગડો ગણાવી દે છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ ઘણા માપદંડો પર કેન્દ્રના આંકડાથી સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, બંગાળ ૧૦૦ દિવસ કામ આપવામાં, ગ્રામીણ આવાસ, ગ્રામીણ રસ્તા, ઈ-ટેન્ડરિંગ અને ઈ ગવર્નેંસમાં નંબર વન છે.
મમતાએ કહ્યું કે, બંગાળ રાજ્યનો જીડીપી તેમના કાર્યકાળમાં ૨.૬ ગણો વધી ગયો છે. બંગાળમાં એક કરોડ નોકરી ઉભી કરવામાં આવી છે. મમતા બેનરજીએ કાયદો-વ્યવસ્થાના મુદ્દા પર કેન્દ્ર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ બંગાળની કાયદો-વ્યવસ્થા પર મોટી-મોટી વાતો કરે છે, પરંતુ બંગાળના બે શહેરોને સૌથી સુરક્ષિત શહેરનો દરજ્જો મળ્યો છે. સીએમે કહ્યું કે, બંગાળના પ્રવાસ પર આવેલા અમિત શાહ આત્મહત્યાને પણ રાજકીય હિંસા ગણાવે છે. તેમણે કહ્યું કે, ભાજપ પતિ-પત્નીના ઝગડાને પણ રાજકીય રંગ આપે છે.