(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨૭
આ વર્ષે ચૂંટણી યોજાવાની હોવાના કારણે કર્ણાટકમાં મુખ્ય પક્ષો દ્વારા એકબીજા પર આરોપ પ્રતિઆરોપનો દોર ચાલ્યો છે. કર્ણાટક કોંગ્રેસની અમિત શાહ દ્વારા આકરી ટીકા કર્યાના બીજા દિવસે મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ભાજપ પર વળતોપ્રહાર કરતા તેના મુખ્ય વ્યૂહકારને ‘મગજ વિનાના માણસ’ અને ‘પહેલા જેલમાં રહી ચૂકેલા’ ગણાવ્યા હતા. પત્રકાર પરિષદમાં સિદ્ધરમૈયાએ કહ્યું કે, એવું લાગે છે કે, અમિત શાહને મગજ નથી તેઓ મગજવિનાના માણસ છે. અમિત શાહ અને ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા પર આકરા પ્રહાર કરતા સિદ્ધરમૈયાએ ટિ્‌વટર પર અમિત શાહને પૂર્વમાં જેલમાં રહી ચૂકેલા ગણાવ્યા હતા. તેમણે એવી પણ માગણી કરી હતી કે, તેઓએ લગાવેલા આરોપોના પુરાવા સાથે સામે આવે. દરમિયાન અમિત શાહ પર ભ્રષ્ટાચારના આરોપો મુકવા સામે શુક્રવારે જવાબ આપ્યા હતા. મૈસૂરમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કર્ણાટકના અંગત જીવન પર ટિકા કરી હતી. તેમણે કહ્યું કે, સિદ્ધરમૈયા સરકારે ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી છે. કર્ણાટકમાં સિદ્ધરમૈયા અને ભ્રષ્ટાચાર સમાન છે. સિદ્ધરમૈયા એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે સિદ્ધરમૈયા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૫માં ગુજરાતમાં સોહરાબુદ્દીનના નકલી એન્કાઉન્ટરના કેસમાં અમિત શાહ ૨૦૧૦માં ત્રણ મહિના માટે જેલમાં રહી ચૂક્યા છે. જોકે ડિસેમ્બર ૨૦૧૪માં કોર્ટે પુરાવાના અભાવે તેમને છોડી મુક્યા હતા. બીજી તરફ ખાણ કૌભાંડ સામે આવતા યેદીયુરપ્પાને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. બાદમાં તેઓ ત્રણ અઠવાડિયા સુધી જેલમાં રહ્યા હતા. જોકે, બાદમાં તેમને પણ નિર્દોષ છોડી મુકાયા હતા. યેદીયુરપ્પાએ બાદમાં ટિ્‌વટર પર કહ્યું હતું કે, સિદ્ધરમૈયાને યાદ રહેવું જોઇએ કે, અમે આ કેસોમાં દોષમુક્ત છૂટી ગયા છીએ.