(એજન્સી)                તા.૩

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોવિડ-૧૯ની સારવાર લેવા માટે સરકારી હોસ્પિટલ એઈમ્સને છોડીને હરિયાણામાં આવેલી એક ફાઈવ સ્ટાર જેવી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા તે અંગે કોંગ્રેસી નેતા શશી થરૂરે તેમની ઉપર જોરદાર ટોણો માર્યો હતો અને સવાલ ઊઠાવ્યો હતો કે શા માટે ગૃહમંત્રી શાહ સરકારી હોસ્પિટલને છોડીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયા ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે ગૃહમંત્રી અમિત શાહ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા તે અંગે સવાલ ઊઠાવ્યો હતો કે, તે (અમિત શાહ) શા માટે સરકારી હોસ્પિટલ એઈમ્સમાં દાખલ ન થયા ? થરૂરે પોતાના ટેવિટર હેન્ડલ ઉપર ટિ્‌વટ કર્યું હતું કે, “આશ્ચર્ય થાય છે કે, બીમાર થતાં દેશના ગૃહમંત્રી એઈમ્સમાં નહીં પરંતુ પાડોશમાં આવેલા રાજ્યની એક ખાનગી હોસ્પિટલની કેવી રીતે પસંદગી કરી ? “વધુમાં તેમણે કહ્યું હતું કે, “સરકારી સંસ્થાઓને મજબૂત કરવાની જરૂર છે કેમ કે, તે પ્રજાના વિશ્વાસને વધુ પ્રેરણા આપે છે” ઉલ્લેખનીય છે કે, ૫૫ વર્ષીય ગૃહમંત્રી અમિત શાહને શુક્રવારે કોરોના પોઝિટિવના લક્ષણો દેખાતા તે હરિયાણાના ગુડગાંવ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. રવિવારે એક ટિ્‌વટ કરીને શાહે કહ્યું હતું કે, તેમની તબિયત સારી છે, પરંતુ ડૉક્ટરોની સલાહ મુજબ તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે, તે સાથે તેમણે એવો પણ અનુરોધ કર્યો હતો કે, છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન તેમની સાથે જે લોકો સંપર્કમાં આવ્યા હતા તેઓએ આઈસોલેટ થઈ જવું જોઈએ અને પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. યાદ રહે કે હાલ દેશના અનેક રાજકારણીઓ પણ કોરોના વાયરસના ચેપનો ભોગ બન્યા છે, તાજેતરમાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાને પણ કોરોના વાયરસનો ચેપ લગી ગયો હતો. શિવરાજસિંહ ચૌહાણ સારવાર માટે ભોપાલની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યારે યેદુરપ્પા બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અર્થાત કોઈપણ રાજકીય નેતાને સરકારી હોસ્પિટલોની સારવાર ઉપર સહેજપણ ભરોસો નથી અને તેઓ જાહેરમાં પ્રજાને સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવાની સલાહ આપે છે. જો કે, આ નેતાઓએ સરકારી હોસ્પિટલોને બદલે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઈને પોતાના દંભ અને આડંબરને ઉઘાડા પાડી દીધા છે.