પાલનપુર, તા.૯
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ અમીરગઢના ધનપુરા ગામે આજે એસઓજીની ટીમ સાથે છટકું ગોઠવ્યું હતું. જ્યાં પીએચસીના ફિમેલ હેલ્થ વર્કર દ્વારા રહેણાંક મકાનમાં પુત્રી અને પુત્રની મદદથી મહિલાઓ પાસેથી નાણાં લઈ પ્રસુતિ કરાવાતી હોવાના પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ મુજબ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતાં ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહેતા નથી અને પોતાના ગામમાં ખાનગી પ્રેક્ટીસ કરતાં હોવાથી દર્દીઓને પારાવાર મુસ્કેલીઓ પડી રહી છે. જેમને ઝડપી લેવા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષકુમાર ફેન્સી દ્વારા છેલ્લા એક માસથી ઓચિંતી તપાસ ચાલી રહી છે. જેમાં અધિકારીએ અમીરગઢના ધનપુરા ગામે એસઓજીની ટીમ સાથે છટકું ગોઠવ્યું હતું. જ્યાં પીએચસીના ફિમેલ હેલ્થ વર્કર દ્વારા રહેણાંક મકાનમાં પુત્રી અને પુત્રની મદદથી મહિલાઓની પ્રસુતિ કરાવાતી હોવાનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાની સૂચનાથી મળેલી ચોક્કસ બાતમીના આધારે બનાસકાંઠા એસઓજી પીઆઇ પાટડીયાને સાથે રાખી અમીરગઢના ધનપુરા ગામે છટકું ગોઠવ્યું હતું. જ્યાં ધનપુરા પીએચસીના મહિલા હેલ્થ વર્કર ગીતાબેન પઢીયાર તેમના રહેણાંક મકાનમાં મહિલાઓ પાસેથી નાણાં લઈને પ્રસુતિ કરાવતા હતા. જેમાં તેમની બી.એચ. એમ.એસ. પુત્રી ડો. સુજલબેન પઢીયાર અને પુત્ર પણ મહિલાઓની પ્રસૂતિ કરાવતા હોવાનો પર્દાફાશ થવા પામ્યો છે. આ અંગે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારી દવાનો જથ્થો ઝડપાયો
ગીતાબેન પઢીયારના રહેણાંક મકાનમાંથી સરકારી દવાઓ પેરાસીટામોલ સહિતનો સરકારી દવાનો જથ્થો પણ ઝડપાયો હતો. તેમજ બાયોમેડીક વેસ્ટ પણ મળી આવ્યો હતો.
તાલુકા હેલ્થ ઓફિસર સામે પગલાં ભરાશે
ફેમેલ હેલ્થ વર્કર દ્વારા રહેણાંક મકાનમાં વર્ષે ૪૦૦ ઉપરાંત પ્રસુતિ કરવાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડો. મહેતા સામે પણ પગલાં ભરવામાં આવનાર છે.