(એજન્સી) તા.૧
કાસગંજમાં થઈ રહેલો ઉપદ્રવ હજી શાંત નથી થયું ત્યાં અમેઠીમાં બે જૂથો વચ્ચે ગોળી અને બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. ઘટનાના કારણ તરીકે બંને જૂથો વચ્ચે ચાલી રહેલો જૂનો વિવાદ બતાવવામાં આવે છે આમા ગોળી વાગવાથી અશ્ફાક નામના ૩૦ વર્ષીય યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું. અશ્ફાકના મૃત્યુ બાદ પરિસ્થિતિ તંગ થાય તે પહેલાં વહીવટીતંત્ર દ્વારા સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. અશ્ફાકના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ૧૦૦૦ જેટલા ટુ-વ્હીલર અને ર૦૦થી પણ વધારે ફોર-વ્હીલર સાથે અંદાજીત સાત-આઠ હજાર જેટલા લોકોએ અશ્ફાકની દફનવિધિમાં હાજરી આપી હતી. આ સમગ્ર ઘટના પર એએસપી બી.સી. દુબે અને એ.ડી.એમ. ઈશ્વચંદ્ર બર્ણવાળ એ હાજર રહીને જાપ્તો રાખ્યો હતો. કે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન થાય. ભીડને નિયંત્રણમાં રાખવા માટે એસ.ડી.એમ. મુસાફરખાન અભય પાંડે, સી.ઓ. મુસાફરખાના સુક્ષ્મ પ્રકાશ પણ તેમની જવાબદારીઓ તત્પરતાથી બજાવી રહ્યા હતા. એ.ડી.એમ. અને એ. એસ. પી.ના નેતૃત્વમાં કેટલીક ટીમો બનાવીને બાકીના આરોપીઓને પકડવાની કવાયત ચાલુ છે. હાલમાં વાતાવરણ શાંતિપૂર્ણ છે. અમેઠીના જગદીશપુરમાં બ્લોક કાર્યાલયની પાસે વિજયા બેન્કની સામે મંગળવારે બપોરે બંને જૂથો વચ્ચે થયેલી ફાયરિંગમાં ૧ યુવકનું મૃત્યુ થઈ ગયું હતું અને આ ઘટનામાં અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષક બીસી દુબે અને જિલ્લા અધિકારી ઈશ્વરચંદ્રની સૂઝબૂઝના કારણે ઘટના ઉપર તરત જ કાબૂ મેળવી લેવાયો હતો. ઘટનાના મુખ્ય ચાર આરોપીઓમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાકી બે આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ અધિક્ષક અને જિલ્લા અધિકારીના નેતૃત્વમાં પાંચ ટીમો બનાવવામાં આવી છે. આ ઘટના માટે એસ.પી. દ્વારા એસ.ઓ.જે.બી. પાન્ડેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે બપોરે મોટા ગામના નિવાસી અશ્ફાક કોઈ કામ માટે તેમની સફારી કાર લઈને કસ્બામાં આવ્યો હતો. તે તેના સાથીઓ સાથે વિજયા બેન્કની પાસે રોકાયો હતો. ત્યારે બાઈક સવાર બે બદમાશોએ અંધાધૂંધ ફાયરીંગ કરી હતી. જેમાં ગોળી વાગવાથી અશ્ફાકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસ આ ઘટના માટે આંતરિક વિવાદને જવાબદાર ગણાવે છે આ ઘટનામાં ઘાયલ થનાર શંકરગંજના પૂર્વ પ્રધાનની સતઈની સ્થિતિ નાજૂક છે. તેમને સીએચસીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી સેંકડો લોકો સી.એચ.સી.ની બહાર એકત્ર થયા છે. જગદીશપુર ગેંગવોર વિશે એ.ડી.જી.એ કહ્યું હતું કે ભાડૂતી હત્યારાઓને બોલાવીને હત્યા કરાવવામાં આવી છે. આ હત્યા પાછળ રાજેશ વિક્રમસિંહનો હાથ છે તેણે બિહારથી શૂટરોને બોલાવીને હત્યા કરાઈ હતી. પોલીસે બે શૂટરોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી પિસ્તોલ મળી છે આ ઉપરાંત બે લાખ અડતાલીસ હજાર રૂપિયા પણ મળ્યા છે.