તહેરાન,તા.૨૧
અમેરિકાના એક ટોચના અધિકારીએ ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઇ કરેલા દાવાથી પશ્ચિમ એશિયામાં હડકંપ મચી ગયો છે. અમેરિકન અધિકારીએ કહ્યું છે કે ઇરાન આ વર્ષના અંત સુધીમાં પરમાણુ હથિયાર બનાવી શકે છે. ઇરાનથી આવી રહેલા આ ખતરાને જોતા અમેરિકા તહેરાનની વિરૂદ્ધ નવા આર્થિક પ્રતિબંધો લગાવા જઇ રહ્યું છે. અમેરિકન અધિકારીએ દાવો કર્યો કે ઇરાન અમેરિકન પ્રતિબંધો છતાંય પોતાના પરમાણ હથિયાર કાર્યક્રમને ચાલુ રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ઇરાનની પાસે પૂરતી સંખ્યામાં રેડિયોધર્મી પદાર્થ જેનાથી આ વર્ષના અંત સુધીમાં પરમાણુ હથિયાર બનાવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે ઇરાન ઉત્તર કોરિયાની મદદથી લાંબા અંતરની માર કરવામાં સક્ષમ મિસાઇલો બનાવી રહ્યું છે. જો કે તેમણે પોતાના દાવાના સમર્થનમાં કોઇપુરાવા રજૂ કર્યા નથી. ઇરાનથી વધી રહેલા આ ખતરાને જોતા અમેરિકા ઇરાનના બે ડઝન લોકો અને સંગઠનોની વિરૂદ્ધ પ્રતિબંધ લગાવા જઇ રહ્યા છે. આ લોકો પર ઇરાનની મિસાઇલ, પરમાણુ હથિયાર અને અન્ય પરંપરાગત હથિયાર કાર્યક્રમોમાં સામેલ થવાનો આરોપ છે. અમેરિકા આ નવા પ્રતિબંધ એવા સમય પર મૂકવા જઇ રહ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનના ક્ષેત્રીય પ્રભાવને ઓછો કરવા માંગે છે. એટલું જ નહીં તેમણે યુએઇ અને બહરીનની સાથે ઇઝરાયલની દોસ્તી કરાવી છે. યુએઇ-બહરીન અને ઇઝરાયલની દોસ્તીથી ઇરાનની વિરૂદ્ધ એક મોટો મોરચો બની ગયો છે. ટ્રમ્પને આશા છે કે આ મોરચાથી ઇઝરાય સમર્થક વોટ તેમને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળી શકે છે. અમેરિકન અધિકારીએ કહ્યું કે ઇરાન અને ઉત્તર કોરિયામાં ફરીથી સહયોગ વધી ગયો છે, તેમાં મિસાઇલો માટે જરૂરી સામાન સામેલ છે.