(એજન્સી) તા.૧૬
ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને જણાવ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો પ્રથમ દિવસે જ ટ્રમ્પના મુસ્લિમ બેન કાયદાને રદ કરી દેશે અને અમેરિકાની વિવિધતાની પરંપરાને જાળવતા દરેક સ્તર પર અમેરિકન મુસ્લિમોને સેવાની તક આપશે. બુધવારે મુસ્લિમ વકીલો અને એક નાગરિક સંગઠનને ઓનલાઈન સંબોધિત કરતા બિડેેને જણાવ્યું કે તેમનો સંદેશ એકતા છે અને તે નફરત ફેલાવવાની વિરૂદ્ધ છે. બિડેનનું કહેવું હતું કે આજે વિશ્વાસ તૂટી રહ્યો છે, આશા નબળી પડી રહી છે. આપણા ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હું એવું નહીં થવા દઉં. અમારી પાસે ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ યોજનાઓ છે, જેનાથી નફરત અને વિભાજનની આગ ઠંડી પડી જશે અને ખૂબ જ પાછળ છૂટી જશે. એક ઉમેદવાર તરીકે ટ્રમ્પે અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશ પર પૂર્ણ પ્રતિબંધનું વચન આપ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે અનેક મુસ્લિમ બહુમતી દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બિડને ના માત્ર આ પ્રતિબંધને હટાવવાનું વચન આપ્યું છે, ઉપરાંત જણાવ્યું છે કે તે તેને હેટક્રાઈમની યાદીમાં નાખી દેશે. ર૦૧૮ના એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં મુસ્લિમોની વસ્તી ૩પ લાખથી વધુ છે. હાલમાં જ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના ઉપાધ્યક્ષ ગ્રેસ મેંંગે રાષ્ટ્રપતિ ઉમેદવાર જો બિડેનની માંગ કરી હતી કે તે આ વાતનું વચન આપે કે જો ચૂંટણીમાં જીત મેળવશે તો અમેરિકન સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મુસ્લિમ જજની નિમણૂંક કરશે.