(એજન્સી)
વોશિંગ્ટન, તા.૧૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાક અને અફઘાનિસ્તાન બંનેમાં અમેરિકન સૈન્યની સંખ્યામાં તીવ્ર ઘટાડો થવાનું નક્કી છે, આ સાથે પહેલીવાર બન્યું છે જ્યારે તેમણે સૈન્ય પાછું ખેંચવા અંગે ચોક્કસ સંખ્યાઓનો ઉલ્લેખ કર્યો છે.
પત્રકારો સાથે વાત કરતા એમણે કહ્યું હતું કે, અમેરિકાના સૈનિકો ઈરાકમાં ઘટાડી ૨૦૦૦ અને અફઘાનિસ્તાનમાં ૪૦૦૦ કરવામાં આવશે. એમણે કહ્યું કે, મધ્ય-પૂર્વ માટે અમેરિકાની નીતિમાં ખૂબ જ પ્રગતિ થઈ છે અને હવે સીરિયામાં પણ ખૂબ થોડા સૈનિકો રાખવામાં આવશે જેઓ તેલના કૂવાઓનું રક્ષણ કરશે.
એક અમેરિકન અધિકારીએ હાલમાં જ સંકેતો આપ્યા હતા કે, રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં જ ઈરાક અને અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચવાની જાહેરાત કરશે એના થોડા જ સમય પછી ટ્રમ્પે કહ્યું કે, આયોજિત યોજનાનું અમલ ઝડપથી કરવામાં આવશે.
ટ્રમ્પે ઈરાકના રાષ્ટ્રપતિ મુસ્તફા અલ-કધીમીને કહ્યું હતું કે, અમેરિકાની આગેવાની હેઠળનું સૈન્ય આગામી ત્રણ વર્ષમાં તેમનો દેશ છોડી દેશે અને એક અમેરિકન અધિકારીએ નામ નહીં જણાવી કહ્યું હતું કે, ઈરાકમાંથી અમેરિકા પોતાનું સૈન્ય ઘટાડી લગભગ એક તૃતિયાંશ કરશે.
ઈરાકમાં અમેરિકાની આગેવાની હેઠળના દળોના આક્રમણના અંત પછી અને ત્રાસવાદમાં ઘટાડો થતાં અમેરિકા દેશમાંથી સૈન્ય ધીમે-ધીમે પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પણ જ્યારે દાઈશ ત્રાસવાદીઓએ ઈરાક અને સીરિયાના અનેક ભાગોમાં કબજા કરતા ૨૦૧૪ના વર્ષમાં અમેરિકાએ ફરીથી સૈન્ય વધારી ૫૨૦૦ કર્યું હતું.