(એજન્સી) વોશિંગ્ટન,તા.૬
અમેરિકાના ટ્રેઝરી વિભાગે જાહેરાત કરી હતી કે એમણે એક ઈરાનીયન વ્યક્તિ અને ૧૭ કંપનીઓ જે ઈરાનના ધાતુ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે એમની ઉપર આર્થિક પ્રતિબંધો મૂક્યા છે. પ્રતિબંધ મૂકાયેલ યાદીમાં મજીદ સજદેહનું નામ ઉમેરવામાં આવ્યું છે અને એની સાથે ઈરાનના ધાતુ, ખાણ અને ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલ કંપનીઓનું નામ પણ ઉમેરાયું છે. અમેરિકાના મુખ્ય સચિવ માઈક પોમ્પિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાન પોતાની ઘણી બધી આવક પોતાના ધાતુ ક્ષેત્રમાંથી મેળવે છે અને એનો ઉપયોગ વિશ્વમાં વિધ્વંસક પ્રવૃત્તિઓ આચરવા માટે કરે છે. એમણે કહ્યું કે બે કંપનીઓએ સીધી અથવા આડકતરી રીતે ગ્રેફાઈટ ઈરાનને વેચ્યું હતું અને મોકલ્યું હતું અને મંગાવ્યું પણ હતું. એક જર્મની આધારિત, એક યુ.કે. આધારિત અને એક ચીન આધારિત કંપનીઓની નોંધ કરવામાં આવી છે જેઓ ઈરાનના મિડલ ઇસ્ટ માઈન્સ એન્ડ મિનરલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપનીની માલિકી અથવા નિયંત્રણ ધરાવે છે. પોમ્પિયોએ જણાવ્યું હતું કે અમેરિકા આક્રમક રીતે ઈરાન પર પ્રતિબંધો મુકવાનું ચાલુ રાખશે, જેઓ પ્રતિબંધોનો ભંગ કરશે અને જેઓ ઈરાનને આર્થિક મદદ પહોંચાડશે અને ઈરાનના ત્રાસવાદી એજન્ડાનું સમર્થન કરશે એમની ઉપર પણ પ્રતિબંધો મુકવામાં આવશે. ઈરાને પુષ્ટિ કરી હતી કે અમેરિકાના પ્રતિબંધોના જવાબ રૂપે એમણે પોતાની યુરેનિયમ ઉત્પાદન ક્ષમતા ૨૦ ટકા વધારી છે.