(એજન્સી) તા.૨૧
અમેરિકી જસ્ટીસ વિભાગે ગૂગલ પર એન્ટીટ્રસ્ટ લૉ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. અમેરિકી સરકારની આ કાર્યવાહીથી અમેરિકાના ટેકનોલોજી જગતમાં ખળભળાટ મચ્યો છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિ કે હરીફ ગૂગલ પર કેસ કરતા હતા. હવે ખુદ સરકારે જ કેસ કરતાં સરકાર ગૂગલ સામે આકરા પાણીએ હોવાનું સ્પષ્ટ થયું છે. અમેરિકાના એન્ટીટ્રસ્ટ લો પ્રમાણે હરિફોને દવાબી દઈ મોનોપોલી સ્થાપવી ગુનો છે. અમેરિકાની ચાર મોટી કંપનીઓ ગૂગલ, ફેસબૂક, એમેઝોન અને એપલ પર એન્ટીટ્રસ્ટ વિરૃદ્ધ કાર્યવાહી કરવાની સરકારની વિચારણા હતી જ. તેનો આજે આ કેસથી આરંભ થયો છે.
ગૂગલે ફોન ઉત્પાદક કંપનીઓને ફરજ પાડી છે કે ફોનમાં તેનું જ સર્ચ એન્જીન ફીટ થયેલું (બાય ડિફોલ્ટ) આવે. પોતાનું સર્ચ એન્જિન બાય ડિફોલ્ટ હોવાથી ગૂગલે અનેક કંપનીઓ પાસે જાહેરખબરના અબજો રૂપિયા ઉઘરાવ્યા છે. કેમ કે ગૂગલ દરેક ફોન સુધી પોતાના એન્જીન દ્વારા પહોંચી વળે છે. એ જાણીતી વાત છે કે મોટા ભાગના ફોનમાં સર્ચ એન્જીન, જીમેઈલ વગેરે ફીટ થયેલું જ આવે છે, જેનો વપરાશકારે ઈચ્છા ન હોય તો પણ વપરાશ કરવો જ પડે.
મોટા ભાગની સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડતી ગૂગલની આવક જાહેરખબર છે. ગયા વર્ષે ગૂગલની જાહેરખબરની કુલ આવક ૧૩૪.૮ અબજ ડૉલર (૯૯૦૦ અબજ રૂપિયા) હતી. ગૂગલની કુલ આવક પૈકી આ આવક ૮૪ ટકા હતી. ગૂગલને જાહેરખબર મળે છે, કેમ કે દરેક ગેજેટ્‌સમાં તેની પહોંચ છે અને ઈન્ટરનેટ પર એ સૌથી મોટું સર્ચ એન્જિન છે. પણ ગૂગલ પોતાના નેટવર્કનો દુરૂપયોગ હરિફોને દવાબી દેવા માટે કરે છે, એવા આક્ષેપો તેના પર વારંવાર થતા રહ્યા છે અને કાર્યવાહીઓ પણ થઈ છે.
ગૂગલ સામે થયેલા આ કેસમાં અમેરિકાના ૧૧ રાજ્યો જોડાયા છે. ગૂગલે તુરંત જવાબ આપતા આ કાર્યવાહીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. ગૂગલે ટિ્‌વટ કરી હતી કે અમે લોકોને અમારો વપરાશ કરવા ફરજ પાડતા નથી. લોકો પોતાની મરજીથી ગૂગલ વાપરે છે. અમેરિકી ડેપ્યુટી એટર્ની જનરલ જેફ રોસને કહ્યું હતું કે આ કંપનીઓ વિરૂદ્ધ ઝડપથી કાર્યવાહી કરવી પડશે, કેમ કે ટેકનોલોજી ત્વરીત બદલાઈ રહી છે. ૨૦ વર્ષ પહેલા આવો કેસ માઈક્રોસોફ્ટ સામે થયો હતો. એ પછીનો આ સૌથી મોટો ટેકનોલોજી કંપની વિરૃદ્ધ થનારો કેસ અથવા કાર્યવાહી ગણાય છે. ગૂગલ પર આક્ષેપ છે કે એ સર્ચ રિઝલ્ટમાં ભેદભાવ રાખીને પરિણામો દર્શાવે છે. એટલે કે કોઈ વ્યક્તિ કંઈ સર્ચ કરે ત્યારે ગૂગલ રિઝલ્ટમાં એવી કંપનીના પરિણામો બતાવે છે, જેની સાથે ગૂગલને ગઠબંધન કે સારાસારી હોય. ગૂગલ દરેક સર્ચ વખતે આવુ કરે એવુ જરૃરી નથી. પરંતુ અમુક સર્ચ વખતે ગૂગલ પક્ષપાતી પરિણામો રજૂ કરતું હોવાનું અમેરિકી સરકારના ધ્યાને આવ્યું છે.