(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૬
કબજે કરાયેલ પેલેસ્ટીનના વિસ્તારોમાં ગેરકાયદેસર ઈઝરાયેલી વસાહતોમાં ઉત્પાદિત ઉત્પાદનોને અમેરિકાએ ‘મેડ ઇન ઇઝરાયેલ’ના લેબલો મુક્યા છે. વોશિંગ્ટને દાવો કર્યો કે આયાત કાયદાઓ અને નિયમો મુજબ આ રીતે લેબલ મૂકવું અનિવાર્ય છે. અમેરિકા કસ્ટમ અને બોર્ડર પ્રોટેકશને એક નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયેલના વિસ્તારોમાં ઉત્પાદિત થયેલ ઉત્પાદનોને આ રીતે લેબલ મૂકી ઉત્પાદોની ખરાઈ કરવામાં આવે છે. પેલેસ્ટીન ઓથોરીટી અને ગાઝાએ અમેરિકાની આ પ્રકારની વિદેશ નીતિ સામે પ્રશ્ન કર્યો હતો. નવા કાયદા મુજબ ઇઝરાયેલના નિયંત્રણ હેઠળના વિસ્તારો જેમાં વેસ્ટબેંકના વિસ્તારો પણ સમાવિષ્ઠ છે ત્યાં ઉત્પાદિત ઉત્પાદનોને ઇઝરાયેલ દ્વારા ઉત્પાદિત તરીકે ગણવામાં આવશે. આ વિસ્તારોમાં વેસ્ટબેંકની એરિયા- સી તરીકે જાહેર કરાયેલ વિસ્તાર પણ છે જેમાં લગભગ ૧૫૦,૦૦૦ પેલેસ્ટીનીઓ ઇઝરાયેલના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહે છે. ગયા મહિને અમેરિકાના સચિવ પોમ્પીઓએ વસાહતોની મુલાકાત લીધી હતી એ પછી આદેશનો અમલ ગઈકાલથી શરૂ કરાયો છે. ઇઝરાયેલ અને કબજે કરાયેલ પેલેસ્ટીની વિસ્તારોના માલો ઉપર લેબલ મૂકવા બાબત લાંબા સમયથી ચર્ચાઓ થાય છે. ૧૯૯૩માં ઓસ્લો સમજૂતી ઉપર સહી કરતા પહેલા અમેરિકા દ્વારા બધા ઉત્પાદનોને ઇઝરાયેલની બનાવટના ગણવામાં આવતા હતા. ૧૯૯૫થી જો કે વેસ્ટબેંક અને ગાઝામાં ઉત્પાદિત થયેલ માલો તે જ વિસ્તારોના ઉત્પાદનો તરીકે ગણવામાં આવતા, બે વર્ષ પછી એમણે સંયુક્ત રીતે વેસ્ટ બેંક/ગાઝા તરીકે લેબલો મૂકવા શરૂ કર્યા હતા. ૨૦૧૬માં ઓબામા શાસનમાં જણાવ્યું હતું કે વસાહતોના માલોને ખોટી રીતે ઇઝરાયેલના માલો ગણતા દંડ કરવામાં આવશે. જોકે નવા નિયમો અમલમાં આવ્યા છે આયાતકારોએ લેબલો બદલવા ૯૦ દિવસનો સમય આપ્યો હતો. આ નવા ઘટનાક્રમથી ગ્રાહકો જેઓ પેલેસ્ટીનથી માલ લેવા માંગે છે નહિ કે ઇઝરાયેલ અથવા એમની વસાહતોમાંથી તેવા ગ્રાહકો સરળતાથી આમ કરી શકે છે. એમાં શંકા નથી કે આ પ્રમાણે લેબલો મૂકવાથી અમેરિકા વસાહતોને કાયદાકીય માન્યતા આપે છે, જેઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ ગેરકાયદેસર છે.