(એજન્સી) નવી દિલ્હી, તા.૯
અમેરિકાએ યાત્રા માટે ભારત કરતા પાકિસ્તાનને શ્રેષ્ઠ ગણાવ્યું હતું. અમેરિકાએ પાકિસ્તાન માટે પોતાની યાત્રા પરામર્શમાં સુધારો કર્યો છે અને પાકિસ્તાનને ત્રીજા સ્થાને રાખતાં પોતાના નાગરિકોને પાકિસ્તાનની યાત્રા અંગે ફેર વિચારણા કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અમેરિકાએ આ યાદીમાં ભારતને સીરિયા, યમન, ઈરાન અને ઈરાક જેવા હિંસાગ્રસ્ત દેશોની સાથે રાખ્યો છે. અગાઉ પાકિસ્તાન પણ આ જ યાદીમાં સામેલ હતું. અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારતને હજુ પણ ચોથા સ્થાને રાખ્યો છે. ભારતમાં સતત વધતાં કોરોનાના કેસોના કારણે અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા નહીં કરવાની સલાહ આપી છે. છ ઓગસ્ટે અમેરિકાએ આ આદેશ જારી કર્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતંુંં કે, કોવિડ-૧૯ના કેસો અને આતંકવાદના કારણે પાકિસ્તાનની યાત્રા અંગે પુનઃવિચાર કરવા જણાવ્યું છે.
મંત્રલાયે પોતાના નાગરિકોને આદેશ કર્યો હતો કે, બલુચિસ્તાન અને ખૈૈબર પખતૂનખ્વા તેમજ ત્રાસવાદથી અસરગ્રસ્ત પાકિસ્તાનના વિસ્તારોની મુલાકાત ન લેવામાં આવે. અમેરિકાના વિદેશ વિભાગનું માનવું છે કે, ૨૦૧૪માં ત્રાસવાદ સામે નક્કર અભિયાન ચલાવાયા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. ટ્રમ્પ શાસને એક કડક પગલું ભરતા પોતાના નાગરિકોને ભારતની મુલાકાત નહીં લેવા જણાવ્યું છે. અમેરિકાએ આ નિર્દેશ માટે સ્પષ્ટ કારણ નથી દર્શાવ્યું. પણ આ પ્રકારની સલાહ ત્રાસવાદ, ગૃહયુદ્ધ, સંગઠિત અપરાધ અને મહામારી સમયે જ આપવામાં આવે છે. અમેરિકાએ આ યાદીમાં સીરિયા, ઈરાન અને ઈરાક જેવા હિંસાગ્રસ્ત દેશોેને રાખ્યા છે. સૂત્રોનું માનવું છે કે, ભારતમાં વધતા કોરોનાના કેસોના કારણે આ યાદીમાં રાખવામાં આવ્યું છે. અમેરિકન એજન્સીઓનું માનવું છે કે, ભારતમાં કોરોના ઉપરાંત ત્રાસવાદ અને અપરાઘોેમાં વધારો થયો છે. ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ વધતાં અપરાઘોને પણ યાત્રા નહીં કરવા માટેનું કારણ બતાવાયું છે. અલબત્ત ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલીટી સંઘે ભારત સરકારને અનુરોધ કર્યો છે કે, તે રેટિંગ સુધારવા માટે અમેરિકન સરકાર પર દબાણ કરે.