(એજન્સી) બેઇજિંગ, તા. ૨૩
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ને આપવામાં આવતું ભંડાળ અટકાવવાનું વોશિંગ્ટન દ્વારા જણાવવામાં આવ્યાના થોડાક દિવસ બાદ કોરોના વાયરસ મહામારી સામેની વૈશ્વિક લડતમાં મદદ કરવા માટે ઉર્ૐંને વધુ ૩૦ મિલિયન અમેરિકી ડૉલર (લગભગ ૨૨૮ કરોડ રૂપિયા) આપવાની ગુરૂવારે ચીન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે નિયમિત પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે કોવિડ-૧૯ સામેની લડતને સમર્થન આપવા અને વિકાસશીલ દેશોની ‘આરોગ્ય વ્યવસ્થાઓ’ મજબૂત બનાવવા માટે ચીને અગાઉ બે કરોડ ડોલરનું દાન આપ્યું હતું અને હવે વિશ્વ આરોગ્ય સંગઠનને વધુ ૩ કરોડ ડોલર આપવાનું ચીને નક્કી કર્યું છે. તેમણે એવું પણ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાને ચીનનો ફાળો વિશ્વ આરોગ્ય સંગઠનમાં લોકો અને ચીનની સરકારનો વિશ્વાસ અને સમર્થન બતાવે છે. દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંગઠન સામે કોવિડ-૧૯ સંકટને યોગ્ય રીતે પહોંચી વળવામાં નિષ્ફળ નીવડવાનો આરોપ મૂક્યો છે. ડબ્લ્યુએચઓને અમેરિકા તરફથી અત્યાર સુધી સૌથી વધુ ફંડ મળતું રહ્યું છે. દરમિયાન, ચીન દ્વારા આ જાહેરાત બાદ જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કોરોનાને પહોંચી વળવા માટે લડી રહેલી વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાની મદદ રોકવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી.