(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ભારતના ઇસ્પાત સચિવ અરૂણા શર્માએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારત એવું નથી માનતું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલની આયાત પર કરનાખવાના નિર્ણયની અસર વહેલી તકે દેખાશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનોની આયાત પર કર લાગશે. તેમણે કહ્યું હતું કે, આવું તેઓ અમેરિકી ઉદ્યોગોની સુરક્ષા માટે કરી રહ્યા છે. જોકે, નિષ્ણાતો અનુસાર આના કારણે અમેરિકી ઉદ્યોગકારોને નુકસાન થશે. અહેવાલોમાં જણાવાયું છે કે, ટ્રમ્પે ઉદ્યોગ કારોબારીઓ સાથેની એક બેઠકમાં જણાવ્યું હતું કે, અમેરિકા સ્ટીલ આયાત પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમની આયાત પર ૧૦ ટકા કર લગાવશે. આ અંગે અરૂણા શર્માએ જણાવ્યું હતું કે, આપણે અમેરિકાને ફક્ત બે ટકા નિકાસ કરીએ છીએ તેથી તેની તાત્કાલિક અસર જોવા નહીં મળે પરંતુ ૨૩૨ કાયદાની અસર જોવા મળી શકે છે. ૧૯૬૨ના૬ વેપાર કાયદાની કલમ ૨૩૨(બી) અમેરિકાને અધિકાર આપે છે કે કોઇપણ આયાત અથવા ઉચ્ચ પ્રકારની આયાત અંગે રાષ્ટ્રીય સુરક્ષાનો ભય દેખાડી તપાસ કરી શકે છે.