(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૨
અમેરિકાના અબજોપતિ વારેન બફેટની કંપની બર્કશાયર હાથવે સમૂહે અમેરિકાની તિજોરીમાં ૪.૧ મિલિયન ડોલર દંડ પેટે ચૂકવવા સંમતી આપી છે. એમણે અમેરિકા દ્વારા ઈરાન સાથે વેપાર કરવા ઉપર મુકાયેલ પ્રતિબંધોનો ભંગ કર્યું હતું.
કંપનીની તુર્કી ખાતેની પેટા કંપની ઇસ્કારે મશીન કટિંગ સાધનોની ૩,૮૩,૪૪૩ ડોલરના મૂલ્યની ૧૪૪ શિપો ત્રાહિત પાર્ટીને મોકલી હતી. એમને ખબર હતી કે આ માલ પુનઃ વેચાણ માટે ઈરાન જવાનો છે. આ વેચાણ ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચેના સમયગાળા દરમિયાન થયું હતું. ઇસ્કાર દ્વારા આ હકીકત છૂપાવવામાં આવી હતી. એમણે દર્શાવ્યું હતું કે આ માલ ઈરાન નહિ પણ અન્ય સ્થળે જશે. જાન્યુઆરી ૨૦૧૬માં વ્હીસલ બ્લોઅરની માહિતીના આધારે બર્કશાયર હાથવેને સૂચના મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કરાયેલ પરમાણુ સમજૂતી તોડી હતી અને ઈરાન ઉપર નવેસરથી પ્રતિબંધો મૂક્યા હતા. જેના લીધે બર્કશાયર હાથવેને દંડ ચૂકવવો પડ્યો હતો.
આ મહિનાની શરૂઆતમાં વોશિંગ્ટને ઈરાનના બેન્કિંગ સેક્ટર ઉપર નવેસર નાણાકીય પ્રતિબંધો મૂક્યા હતા. એમણે ઈરાનની ૧૮ બેન્કોને દેશની બ્રાન્ચો બંધ કરવા કહ્યું હતું. અમેરિકા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ઈરાન ઉપર વધુ પ્રતિબંધો મૂકી રહ્યો છે.
જોકે આ મામલે અમેરિકા એકલું પડી ગયું છે. ઈરાન સાથે પરમાણુ સમજૂતી પર સહીઓ કરનાર એમના યુરોપના સાથી દેશો સમજૂતીને વળગી રહ્યા છે. અને ઈરાન ઉપર પ્રતિબંધો મૂકવાની તરફેણ કરતા નથી. એમનું માનવું છે કે મધ્ય પૂર્વ અખાતમાં શાંતિ અને સ્થિરતા માટે આ સમજૂતી યોગ્ય છે.