(એજન્સી) તા.રપ
પાકિસ્તાનના અફઘાનિસ્તાનમાં અમેરિકી ગઠબંધન આરએસએમ વતી પાક.ના આદિવાસી વિસ્તાર ખુર્રમ એજન્સીમાં અફઘાન પલાયનકર્તાઓના કેમ્પ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જેની ટીકા કરતાં પાકિસ્તાને કહ્યું કે આ પ્રકારની કાર્યવાહીથી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદીઓ વિરુદ્ધ જારી સહયોગને મોટો આંચકો લાગશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈઝલ વતી જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાન સતત વિશેષ કાર્યવાહી માટે ગુપ્ત સૂચનાઓની આપ-લેના મહત્વ પર ભાર મૂકે છે જેથી અમારા ક્ષેત્રમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી અમારી પોતાની સેના કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન, અફઘાન શરણાર્થીઓને તાત્કાલિક પરત મોકલી દેવા ઉપર પણ ભાર મૂકે છે કેમ કે પાકિસ્તાનમાં તેમની હાજરીથી અફઘાન આતંકવાદીને તેમનામાં સરળતાથી ભળી જવામાં મદદ મળી રહી છે. માહિતી આપ્યા વિના ડ્રોન હુમલો કરવાની ટીકા કરતાં પાકિસ્તાને સ્પષ્ટતા કરી કે આ પ્રકારની કાર્યવાહીથી આતંકવાદીઓ વિરુદ્ધ યુદ્ધમાં બંને દેશના મધ્ય સહયોગની ભાગવાનને આંચકો લાગશે. યાદ રહે કે સ્થાનિક તંત્રએ ડ્રોન હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે અફઘાન શરણાર્થીના ઘરે ડ્રોન હુમલો કરાયો હતો જેમાં બે લોકો માર્યા ગયા હતા. સ્થાનિક તંત્રનો દાવો હતો કે હુમલામાં હક્કાની નેટવર્કનો કમાન્ડર તેના બે સાથી સાથે ઠાર મરાયો છે. ખુર્રમના દાપા મોમાઝાઇ ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાકિસ્તાન આ હુમલાને કારણે ગભરાઈ ગયો છે અને તેણે અમેરિકાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. છેલ્લા બે મહિનામાં પણ પાકિસ્તાનના એફએટીએ વિસ્તારમાં ડ્રોન હુમલો કરાયો હતો જેમાં કેટલાક ઘવાયા હતા જ્યારે એક અજાણ્યા સ્થળે કરાયેલા હુમલામાં એક હક્કાની નેટવર્કનો આતંકી ઠાર મારવામાં આવ્યો હતો. આ ડ્રોન હુમલા પણ અમેરિકા દ્વારા કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર પાક. પર આતંકીઓને સાથ આપવાનો આરોપ મૂકતાં રહ્યાં છે અને હાલમાં તેમણે પાકિસ્તાનની બે મિલિયન ડોલરની મદદ પણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.