(એજન્સી) બગદાદ,તા.૧૭
ઈરાકી સૈન્યે ગઈકાલે જાહેરાત કરી હતી કે અમેરિકાની આગેવાની હેઠળના વૈશ્વિક ગઠબંધને દાઈશ ગ્રુપના મુખ્ય ફાયનાન્સરની અનબારમાં હવાઈ હુમલા દ્વારા હત્યા કરી અને એમના ભાઈની ધરપકડ કરી હતી. અનાદોલુ ન્યુઝ એજન્સીએ સમાચારો આપ્યા હતા. એજન્સીએ ઇરાકના એક પોલીસ અધિકારી અહમદ અલ- દુલૈમીના હવાલાથી જણાવ્યું હતું કે, ગઠબંધનના સૈન્યે અલ-રુતબા જિલ્લાના અનબારમાં એક ઘર ઉપર હવાઈ હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એમના ભાઈની ધરપકડ કરાઈ હતી. વ્યક્તિના મૃતદેહને અલ-રુતબા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇરાકી રક્ષા મંત્રાલયના સુરક્ષા મીડિયા સેલે એક નિવેદનમાં માહિતી આપી હતી અમેરિકાની આગેવાની હેઠળના ઈરાકી ત્રાસવાદ વિરોધી દળે અનબારમાં સંયુક્ત હવાઈ હુમલો કર્યો હતો જેના લીધે દાઈશના મુખ્ય ફાયનાન્સરનું મોત થયું હતું અને સંગઠનના મુખ્ય નેતાની ધરપકડ કરી હતી. જોકે એમના નામો જાહેર કરાયા નથી. આ વર્ષની શરૂઆતથી દાઈશોએ મૃત્યુના ત્રિકોણ તરીકે જાણીતા કિરકુક અને સાલાદિન અને દિયાલામાં હુમલાઓ વધારતા ઈરાકી દળોએ દાઈશો વિરુદ્ધ પોતાના ઓપરેશનો વધાર્યા છે.