(એજન્સી) બ્લૂમબર્ગ, તા.૧૨
અમેરિકાની ફેડરલ કોર્ટના જજ પૌલ એન્ગેલમાયેરે સેન્ટ્રલ ઇન્ટેલીજેન્સ એજન્સી (સી.આઈ.એ.)ને સઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનો રિપોર્ટ અને વીડિયો કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો. આ માહિતી વિશ્વસનીય હોવાથી ગુપ્ત રાખવાના સી.આઈ.એ.ના નિર્ણયને કોર્ટે રદ્દ કર્યો હતો. ઓપન સોસાયટી ફાઉન્ડેશને જણાવ્યું હતું કે સી.આઈ.એ. પુરાવાઓનો કબજો હોવાનું જણાવે એ પ્રકારનો જજનો આદેશ ખાશોગીની હત્યા અને અમેરિકાના કેસ સંદર્ભે ઇન્ટેલીજેન્સ રિપોર્ટ સંબંધિત માહિતી જાહેર કરવા માટેનું પ્રથમ પગલું જણાવે છે. ઓપન સોસાયટી ફાઉન્ડેશને સિવિલ કોર્ટમાં સી.આઈ.એ. અને અમેરિકાની અન્ય એજન્સીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી કારણ કે આ સંસ્થાઓએ ફાઉન્ડેશનની ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળની વિનંતી તરફ ધ્યાન આપ્યું ન હતું. એમણે વિનંતી કરી હતી કે ૨ ઓક્ટોબર ૨૦૧૮માં થયેલ ખાશોગીની હત્યાની વિગતો અને દસ્તાવેજો આપવામાં આવે. જોકે સી.આઈ.એ.એ આ વિનંતી રાષ્ટ્રીય સુરક્ષાના કારણો રજૂ કરી આપવા ઇન્કાર કર્યો હતો. જજને સી.આઈ.એ.નો આ જવાબ અપૂરતો જણાયો કારણ કે ટ્રમ્પ વહીવટે જાહેરમાં કહ્યું હતું કે, એમની પાસે સંપૂર્ણ માહિતી અને રેકોર્ડીંગ છે, એ માટે જજે આદેશ આપ્યો કે આ માહિતી ગોપનીય રાખવાનો કાયદાકીય ઉદ્દેશ્ય જણાવવામાં આવે. જજનો આ નિર્ણય સઉદી અરબને શરમમાં મૂકનાર છે. ખાસ કરીને જો સી.આઈ.એ. જજના આદેશ મુજબ વર્તન કરે તો ખાશોગીની હત્યાની માહિતી જાહેર થઇ જાય, જેમાં સઉદીના પ્રિન્સની કથિત ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. જજે પોતાના ચુકાદામાં ૨૦૧૮ના વર્ષમાં ટ્રમ્પ દ્વારા અપાયેલ નિવેદનને ટાંક્યો હતો જેમાં એમણે કહ્યું હતું કે અમારી પાસે આ હત્યાની ટેપ છે.