(એજન્સી) ટોક્યો, તા.ર૦
અમેરિકાના ફાઈટર જેટમાં આગ લાગી જતાં તેણે બે ફ્યુલ ટેન્કોને જાપાનના ઉત્તરે આવેલા એક તળાવમાં ફેંકી દીધી હતી. આ ઘટના માટે જાપાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા અમેરિકન સૈન્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. પરંતુ દેશમાં અમેરિકાના સૈન્યની હાજરી બાબતે જાપાની અધિકારીઓની ચિંતાને પ્રોત્સાહન આપ્યું હતું. જાપાનના સંરક્ષણમંત્રી સુનોરી ઓનોડેરાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે યુએસને આ ઘટનામાં શું થયું હતું એ વિશે પૂછી રહ્યા છીએ અને તેના કારણો પણ જાણી રહ્યા છીએ. અમે અમેરિકા સમક્ષ માગણી કરી છે કે આવી ઘટનાઓ રોકવા માટે પગલાં લેવામાં આવે.
ઓનોડેરાએ માહિતી આપતા કહ્યું હતું કે, એફ-૧૬ વિમાને મંગળવારે વહેલી સવારે જાપાનના ઉત્તરી ક્ષેત્રના ઓમોરી સ્થિત મિસાવા એરબેઝ પરથી ઉડાન ભરી હતી ત્યારે તરત જ એન્જિનમાં આગ લાગી ગઈ હતી.
યુએસના સૈન્ય એ એક નિવેદનમાં આ સમાચાર વિશે ખાતરી આપતા જણાવ્યું હતું કે, એફ-૧૬ ફ્યુલ ટેન્કો છૂટી કરી દેવાની ફરજ પડી હતી. ૩પ ફાઈટિંગ વિંગના કમાન્ડર કર્નલ આર.સ્કોટ જોબએ કહ્યું હતું કે, ઉડયન અભ્યાસો દરમિયાન અમારા પાયલોટો અને અમારા જાપાનીઝ પાડોશીઓની સુરક્ષા અમારી પ્રથમ ક્રમની પ્રાથમિકતા છે અમે આ ઘટના વિશે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.